ક્રિકેટ રસિકો માટે IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ હંમેશા મનોરંજનનો મોટો ડોઝ લઈને આવે છે. ખાસ કરીને જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની વાત આવે ત્યારે ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે. આગામી IPL 2027 માટે CSK ફ્રેન્ચાઇઝીએ અત્યારથી જ પોતાની કમર કસી લીધી છે અને ટીમની બેન્ચ સ્ટ્રેન્થ તેમજ કોચિંગ સ્ટાફને વધુ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલાં જ ટીમે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપી હતી, અને હવે કોચિંગ ટીમમાં વધુ એક મોટો ધમાકો થયો છે.
સૂત્રોના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગેરેથ બેટ્ટીના કોચિંગ કરિયરની વાત કરીએ તો તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે તોમાળામા 2022, 2023 અને 2024માં સતત 3 કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સરે ક્લબે પણ ખુદ ગેરેથના વિદાયની સત્તાવાર જાહેરાત કરતા પુષ્ટિ કરી છે કે તેઓ હવે IPLમાં CSK સાથે જોડાઈ રહ્યા છે. ગેરેથ બેટ્ટીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો તેમણે 2002માં ઇંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું અને 2016 સુધી 9 ટેસ્ટ, 10 વનડે અને 1 T20 મેચ રમી હતી, જેમાં તેમણે ટેસ્ટમાં 15 અને વનડેમાં 5 વિકેટ પોતાના નામે કરી હતી.
હવે મુખ્ય કોચ ઝહીર ખાન અને નવા સહાયક કોચ ગેરેથ બેટ્ટીની આ જોડી આગામી સીઝનમાં કેવું પર્ફોર્મન્સ આપે છે તેના પર સૌની નજર રહેશે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ CSKએ છેલ્લે 2023માં ધોનીના કેપ્ટનશીપ હેઠળ ટ્રોફી જીતી હતી. હવે આ નવી કોચિંગ ટીમ સાથે પીળી જર્સીવાળી આ ખતરનાક ટીમનું લક્ષ્ય પોતાની છઠ્ઠી ટ્રોફી જીતવાનું રહેશે. મેદાન પર ખેલાડીઓ કેવું પ્રદર્શન કરશે અને કોચિંગ સ્ટાફનો આ નવો પ્રયોગ ટીમ માટે કેટલો ફાયદાકારક સાબિત થશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ અત્યારથી જ આ ખબર વાયરલ થતાં ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
