ઘણા લોકોને રાત્રે ભોજન કર્યા પછી કંઈક મીઠું ખાવાની આદત હોય છે. ચોકલેટ, કેક, કૂકીઝ કે અન્ય મીઠાઈ ખાવાથી મનને ભલે સંતોષ મળી જતો હોય, પરંતુ નિયમિત રીતે વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ ભારે પડી શકે છે. ખાસ કરીને જે લોકો સૂતા પહેલાં મીઠાઈ ખાવાનું પસંદ કરે છે, તેમણે આ આદત વિશે ગંભીર થવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, ખાંડનું વધુ પડતું સેવન લાંબા ગાળે ત્વચાની તંદુરસ્તી બગાડી શકે છે.
દિલ્હીની હોસ્પિટલના ત્વચારોગ નિષ્ણાત ડૉ. સંદીપ અરોરા જણાવે છે કે રાત્રે મીઠાઈ ખાવાની આદત ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જોકે, તેની અસર માત્ર સમય પર જ નહીં, પરંતુ દિવસભર લેવામાં આવતી ખાંડની કુલ માત્રા, લાઈફસ્ટાઈલ અને વ્યક્તિની ત્વચાના પ્રકાર પર પણ આધાર રાખે છે. જ્યારે આપણે વધુ પ્રમાણમાં સુગરવાળો ખોરાક ખાઈએ છીએ, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધી જાય છે. લાંબા સમય સુધી વધુ પડતી સુગરનું સેવન શરીરમાં ગ્લાયકેશન નામની પ્રક્રિયાને વધારે છે. આ પ્રક્રિયામાં સુગરના અણુઓ ત્વચામાં રહેલા કોલેજન અને ઇલાસ્ટિન જેવા પ્રોટીન સાથે જોડાય છે. આ બંને પ્રોટીન ત્વચાને મજબૂત અને કોમળ રાખવામાં મોટો ભાગ ભજવે છે, જેની ગુણવત્તા બગડવાથી ત્વચાની ચમક ઘટી જાય છે અને અકાળે કરચલીઓ પડવાનું જોખમ વધી જાય છે.
જે લોકોને વારંવાર ખીલ થવાની સમસ્યા રહે છે, તેમણે સુગરવાળા ખોરાકના સેવન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલાક અભ્યાસો કહે છે કે વધુ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ધરાવતો ખોરાક ખીલની સમસ્યા સાથે જોડાયેલો હોય છે. આવા ખોરાકથી બ્લડ સુગર અને ઇન્સ્યુલિનના સ્તરમાં ફેરફાર થાય છે. જોકે, દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાથી ખીલ થાય જ તેવું નથી, તેમાં હોર્મોન્સ અને ત્વચાનો પ્રકાર પણ ભાગ ભજવે છે. આમ છતાં, સૂતા પહેલાં નિયમિત મીઠાઈ ખાવાથી ખીલ વધવા, ત્વચાની ચમક ઓછી થવી અને વજન વધવાનું જોખમ પણ રહે છે.
જો તમને રાત્રે જમ્યા પછી મીઠું ખાવાની ઇચ્છા થાય, તો મીઠાઈનું પ્રમાણ મર્યાદિત રાખવું અથવા તેના બદલે તાજાં ફળો, બદામ કે અખરોટ જેવા હેલ્ધી વિકલ્પો પસંદ કરવા જોઈએ. ફળોમાં કુદરતી સુગરની સાથે ફાઇબર પણ હોય છે. આ ઉપરાંત, પૂરતી ઊંઘ લેવી, ભરપૂર પાણી પીવું અને સંતુલિત આહાર જાળવવો ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જો ત્વચાની સમસ્યા લાંબા સમય સુધી રહે, તો કોઈ સારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
