અત્યાર સુધી આપણે સામાન્ય રીતે જનરલ ફિજિશિયન કે એમબીબીએસ ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનમાં જ બધી વિગતો જોતા આવ્યા છીએ, પણ હવે દાંતની સારવાર કરાવવા જાવ ત્યારે નિયમો બદલાયા છે. નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા દેશભરના તમામ ડેન્ટિસ્ટ માટે એક મહત્વની પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમ મુજબ હવેથી કોઈપણ ડેન્ટિસ્ટ દર્દીને દવા કે સારવાર માટે લખી આપે તે પ્રિસ્ક્રિપ્શન સામાન્ય નહીં ચાલે, પરંતુ તેમાં ડોક્ટરની તમામ વ્યાવસાયિક વિગતો હોવી સાવ ફરજિયાત બની ગયું છે.
નવી એડવાઈઝરી અનુસાર, ડેન્ટિસ્ટે પ્રિસ્ક્રિપ્શન પર પોતાનું પૂરું નામ, જે તે રાજ્યની સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલમાં નોંધાયેલો રજિસ્ટ્રેશન નંબર, પોતાની ડેન્ટલ ક્વોલિફિકેશન એટલે કે ડિગ્રી, ક્લિનિક કે હોસ્પિટલનું પિનકોડ સાથેનું પૂરેપૂરું સરનામું અને ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે. આ બધી વિગતો કાં તો પ્રિન્ટેડ હોવી જોઈએ અથવા જો સાદા પેપર પર લખતા હોય તો ડોક્ટરની સહી અને સિક્કો હોવો અનિવાર્ય છે. આ નિયમ પાછળનો મુખ્ય હેતુ દર્દીઓની સુરક્ષા અને પારદર્શિતા લાવવાનો છે, જેથી દર્દીને ખબર પડે કે તે જે ડોક્ટર પાસે સારવાર લઈ રહ્યા છે તેમની પાસે કઈ ડિગ્રી છે અને તેમનું રજિસ્ટ્રેશન વેલિડ છે કે નહીં.
આ સાથે જ કમિશને એક વધુ મોટો મુદ્દો ઉઠાવતા તમામ ડેન્ટિસ્ટને કડક સૂચના આપી છે કે દવા બનાવતી ફાર્મા કંપનીઓ દ્વારા જે ફ્રી પેડ્સ કે પ્રિસ્ક્રિપ્શન પ્રિન્ટ કરાવેલા આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરી શકાશે નહીં. સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે પ્રિસ્ક્રિપ્શનના પેપર પર કોઈ ને કોઈ ફાર્મા કંપનીની દવાઓની જાહેરાત છપાયેલી હોય છે, હવે આ પ્રકારના સ્પોન્સર્ડ પેડ્સ વાપરવા પર કમિશને રોક લગાવી દીધી છે. તમામ દાંતના ડોક્ટરોએ હવેથી કમિશનની આ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
