રાજકારણમાં નિવેદનો અને વિવાદો તો ચાલ્યા જ કરતા હોય છે, પણ ક્યારેક આ બાબતો લાંબી કાનૂની લડાઈમાં ફેરવાઈ જતી હોય છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે ગુરુવારનો દિવસ ખૂબ જ રાહતભર્યો સાબિત થયો છે. ઉત્તર પ્રદેશની સુલતાનપુર સ્થિત સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટે વર્ષ 2018ના એક ચર્ચિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. ભાજપના તત્કાલીન અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી માફક આ કેસ ચાલી રહ્યો હતો, જેનાથી કોંગ્રેસ છાવણીએ હાશકારો અનુભવ્યો છે.
આ આખો મામલો વર્ષ 2018નો છે, જ્યારે કર્ણાટકના બેંગલુરુમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહ સામે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ નિવેદનથી નારાજ થઈને ભાજપના તત્કાલીન જિલ્લા ઉપપ્રમુખ અને સ્થાનિક બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ સુલતાનપુર કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ વર્ષો સુધી ચાલ્યા બાદ આખરે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને આ કેસ રદ કરી દીધો છે અને રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ આ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ કેસમાં જો દોષ સાબિત થાત તો આઈપીસીની કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકતી હતી.
આજે આ મહત્ત્વના કેસનો ચુકાદો આવવાનો હોવાથી રાહુલ ગાંધી ખાસ દિલ્હીથી સુલતાનપુર કોર્ટમાં હાજર રહેવા માટે પહોંચ્યા હતા. જો કે, કોર્ટ તરફ જઈ રહેલા તેમના કાફલા સાથે રસ્તામાં એક અકસ્માત પણ નડ્યો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસવે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પાસે રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ પરસ્પર ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક કોંગી કાર્યકરો અને સુરક્ષાકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે રાહુલ ગાંધી પોતે સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને સમયસર કોર્ટમાં પહોંચીને આ કાનૂની વિવાદનો અંત જોયો હતો. કોર્ટના આ નિર્ણયથી રાજકીય ગલીઓમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
