વડોદરા શહેરમાંથી એક અત્યંત હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેને જાણીને કોઈ પણ રડવા લાગી જાય. સામાન્ય રીતે સવારે ઘરનું કચરો લેવા આવતી ગાડી લોકો માટે ઉપયોગી હોય છે, પરંતુ મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોની પાસે આ જ ગાડી એક હસતા-રમતા પરિવાર માટે કાળરૂપ સાબિત થઈ હતી. પૂરઝડપે અને બેફામ દોડતી આ કચરાની ગાડીના ચાલકે એવું તો શું અંધેર મચાવ્યું કે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
બનેલી ઘટનાની વિગત એવી છે કે જશોદા કોલોનીમાં રહેતા અનિલ ઠાકોર નામના યુવક પોતાના ઘરની બહાર શાંતિથી બેઠા હતા. એ જ સમયે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડી લઈને આવેલો ચાલક એટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો કે તેને પોતાના વાહન પરનો કાબૂ જ ગુમાવી દીધો હતો. આ બેફામ ગાડીએ સીધા જ ઘર બહાર બેઠેલા અનિલભાઈને અડફેટે લઈ લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અનિલભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેમણે ૧ ક્ષણમાં દમ તોડી દીધો હતો. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારમાં કકાળાટ મચી ગયો છે અને સ્વજનોના આક્રંદથી આખો વિસ્તાર હચમચી ગયો છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી હતી કે આ ચાલક ચોક્કસપણે નશાની હાલતમાં હોવો જોઈએ, કારણ કે કોઈ ભાનવાળો માણસ આ રીતે ગાડી ચલાવી જ ન શકે. લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે ચાલકે દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું હોવાને કારણે જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે. રોષ વધતો જોઈને પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી.
મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. સાથે જ લોક રોષ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને પોલીસે કચરાની ગાડીના ચાલકની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. હાલ તો પોલીસે ચાલક ખરેખર નશામાં હતો કે નહીં તે જાણવા માટે તેની મેડિકલ ટેસ્ટ કરાવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.
