શિયાળો બેસે એટલે ગુલાબી ઠંડીની સાથેસાથે પ્રદૂષણનો રાક્ષસ પણ આપણી આસપાસ મંડરાવા લાગે છે. રસ્તા પર દોડતા વાહનોનો ધુમાડો, ચાલતા કન્સ્ટ્રક્શનના કામો અને ખેતરોમાં સળગતી પરાળીને કારણે હવાની હાલત બગડી જાય છે. આવી ઝેરી હવામાં બહાર નીકળીએ એટલે આંખોમાં બળતરા થવી, ગળામાં ખરાશ કે ખાંસી ઉપડવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એ સામાન્ય બાબત બની જાય છે. આ પ્રદૂષણથી બચવા માટે આપણે મોં પર માસ્ક ચડાવીએ છીએ, પણ શું તમે જાણો છો કે બજારમાં મળતા બધા માસ્ક આ પ્રદૂષણ સામે રક્ષણ નથી આપી શકતા? ખાસ કરીને હવામાં ફરતા અતિ સૂક્ષ્મ રજકણો એટલે કે PM2.5 થી બચવું હોય તો સાચો માસ્ક પસંદ કરવો અનિવાર્ય છે.
હવામાં રહેલા ધૂળ અને ધુમાડાના કણોને PM કહેવામાં આવે છે. આમાં PM10 ની સરખામણીએ PM2.5 ના કણો એટલા બધા બારીક હોય છે કે તે આપણી નરી આંખે પણ નથી દેખાતા. આટલા સૂક્ષ્મ હોવાને કારણે તે શ્વાસ મારફતે સીધા આપણા ફેફસાંના ઊંડાણ સુધી પહોંચી જાય છે અને ગંભીર બીમારીઓને નોતરે છે. અસ્થમા કે શ્વાસની બિમારી ધરાવતા લોકો માટે તો આ સમય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હવે સવાલ એ થાય કે સર્જિકલ માસ્ક પહેરવો કે N95? તો સામાન્ય સર્જિકલ માસ્ક માત્ર મોટા કણો કે ડ્રોપલેટ્સ રોકે છે, પણ PM2.5 જેવા ઝીણા રજકણોને રોકવા માટે N95 કે તેનાથી સેટ બેસ્ટ રેસ્પિરેટર જ કારગર નીવડે છે.
માસ્ક વાપરતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. કોઈ પણ ડિસ્પોઝેબલ માસ્કને ક્યારેય ધોઈને ફરીથી વાપરવા જોઈએ નહીં. N95 માસ્ક પણ પાણીથી સાફ નથી થતા. જો તમારો માસ્ક ભીનો થઈ જાય, ગંદો લાગે, ફાટી જાય કે પછી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે તો સમજી લેવું કે હવે તેને બદલવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને આપણા બાળકોની વાત કરીએ તો તેમના નાજુક ફેફસાં હજુ વિકાસ પામી રહ્યા હોય છે, જેથી તેમને પ્રદૂષણથી બચાવવા ખૂબ જ જરૂરી છે. બાળકો માટે માસ્ક ખરીદીતી વખતે માત્ર ફિલ્ટરિંગ પૂરતું નથી, પણ તેનું ફિટિંગ પણ પરફેક્ટ હોવું જોઈએ જેથી નાક કે દાઢી પાસે કોઈ ખુલ્લી જગ્યા ન રહે.
બાળકો માટે ખાસ ડિઝાઈન કરેલા નાના સાઇઝના N95 માસ્ક બજારમાં મળે છે, પણ મોટા લોકોનો માસ્ક બાળકોને પહેરાવવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે તે ઢીલો રહેવાથી પ્રદૂષિત હવા સીધી અંદર જતી રહે છે. વળી, 2 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકોને તો ભૂલથી પણ માસ્ક ન પહેરાવવો જોઈએ. તેના બદલે ખૂબ પ્રદૂષણવાળા દિવસે નાના બાળકોને ઘરની બહાર કાઢવાનું જ ટાળવું વધુ હિતાવહ છે. માસ્ક ઉપરાંત બહાર જતી વખતે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવાની ટેવ પાડો, બારી-બારણાં બંધ રાખો અને હવાની ગુણવત્તા બહુ ખરાબ હોય ત્યારે ખુલ્લામાં કસરત કરવાનું ટાળીને પોતાની અને પરિવારની તબિયતનું ખાસ ધ્યાન રાખો.
