ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી તરફ દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે રાજ્યો પણ હવે આ ક્ષેત્રને વેગ આપવા માટે નવા નિર્ણયો લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકારે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે લાગુ પડતી જમીન ફીમાં સીધો 25% ઘટાડો કરી દીધો છે, જેના કારણે સોલાર, વિન્ડ કે અન્ય રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસમેન અને ઇન્વેસ્ટર્સને મોટી રાહત મળશે.
આ નિર્ણય પાછળ સરકારનો હેતુ રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટ્સ ઝડપથી સ્થપાય અને ક્લીન પાવરનું ઉત્પાદન વધે તેવો છે. જોકે, આ 25% ની ભારે છૂટછાટ મેળવવી એટલી બધી આસાન પણ નથી, કારણ કે સરકારે સ્પષ્ટ નિયમ બનાવી દીધો છે કે જે જમીન પર આ રાહત લેવામાં આવશે, તેનો ઉપયોગ માત્ર અને માત્ર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ માટે જ થવો જોઈએ. જો કોઈ અન્ય કામ માટે જમીન વપરાશે તો આ લાભ નહીં મળે.
મહારાષ્ટ્ર સરકારના આ પગલાથી રાજ્યમાં મોટા પાયે નવા ઇન્વેસ્ટમેન્ટ આવવાની પૂરી શક્યતા છે. ક્લીન એનર્જી સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ માટે જમીનનો ખર્ચ હંમેશા મોટો પડકાર રહ્યો છે, ત્યારે સરકારના આ નિર્ણયથી પ્રોજેક્ટ્સનો ઓવરઓલ કોસ્ટ ઘટશે. નિષ્ણાતો માની રહ્યા છે કે આનાથી આવનારા સમયમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સના કામમાં ઝડપ આવશે અને રાજ્યમાં વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યાવરણને અનુકૂળ એવા સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સને નવું બળ મળશે.
