બોલિવૂડના જાણીતા એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાની પર્સનલ લાઈફ આજકાલ સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની રહી છે. સુનિતા દ્વારા ગોવિંદા પર અફેરના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા બાદ, આખરે ગોવિંદાએ આ મામલે પોતાની ચૂપી તોડી છે. એક તાજેતરના ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે આ બધા મામલા પાછળ કોઈ મોટું રમત રમી રહ્યું છે.
ગોવિંદાએ દાવો કર્યો છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ તેમની પત્ની સુનિતાને સતત ભડકાવી રહી છે અને તેમના સંબંધોમાં તિરાડ પાડવા માગે છે. જોકે, તેમણે કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું. એક્ટરે જણાવ્યું કે તેમને આ વાતનો અંદાજ તો 7-8 વર્ષ પહેલાં જ આવી ગયો હતો કે ભવિષ્યમાં તેમને આવા મુશ્કેલ દોરમાંથી પસાર થવું પડી શકે છે. ગોવિંદાના મતે, દરેક પરિવારમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે ઘરના નજીકના લોકો જ બહારના લોકોની વાતોમાં આવીને પ્રભાવિત થઈ જતા હોય છે.
આ વિવાદ વચ્ચે પણ ગોવિંદાએ પોતાની પત્ની પ્રત્યેનો આદર જાળવી રાખ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાની પત્નીને પબ્લિકમાં કે મીડિયાની સામે જરાય શરમમાં મૂકવા માંગતા નથી. સુનિતાના વખાણ કરતા ગોવિંદાએ સ્વીકાર્યું કે તેમની માતાના આશીર્વાદની સાથે-સાથે પત્ની સુનિતાને કારણે જ તેમને જીવનમાં આટલું નામ, ઇજ્જત અને સન્માન મળ્યું છે. હાલ દેશભરમાં લોકો આ મામલે પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે, પરંતુ ગોવિંદાનું કહેવું છે કે તે કોઈની પણ પ્રતિક્રિયા પર વાંધો ઉઠાવવા નથી માંગતા.
એક્ટરે અંતમાં કહ્યું કે તે આ વિવાદમાં એવું કોઈ જ પગલું નહીં ભરે કે જેનાથી પાછળથી કોઈની પણ છબીને ઠેસ પહોંચે. તે પોતાની તરફથી સંબંધોનું પૂરું સન્માન જાળવી રાખશે અને કોઈની પણ ચાલ કે જાળમાં ફસાવાના નથી. ઉલ્લેખનીય છે કે સુનિતા આહુજાએ ગોવિંદા પર તેમની ફિલ્મની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે અફેર હોવાના આક્ષેપો કર્યા હતા, જેને ગોવિંદા અગાઉ પણ ફગાવી ચુક્યા છે.
