રવિવારનો દિવસ કોલકાતાના બેહાલા વિસ્તારના રહેવાસીઓ માટે એક કાળી નદી જેવો સાબિત થયો, જ્યાં માનવતાને શરમમાં નાખે તેવી ઘટના બની. એક યુવક પોતાની સગીર પ્રેમિકાને મળવા ગયો હતો અને વાતચીત દરમિયાન બંનેએ કિસ કરી હતી. આ નજરોનજર યુવતીના કાકાના એક મિત્રે જોઈ લીધો અને વાત પળભરમાં યુવતીના પિતા અને મામા સુધી પહોંચાડી દીધી. બસ, પછી તો ગુસ્સામાં આવેલા પરિવારે જે તાંડવ મચાવ્યો તેણે બધાને હચમચાવી દીધા. યુવતીના પરિવારે યુવક અને તેના મિત્રને પકડીને ખુદિરામપલ્લી વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં પૂરી દીધા અને બેરહેમીથી મારપીટ કરી.
આટલું ઓછું હોય તેમ, પરિવારે પેલા યુવકના પિતાને પણ ત્યાં બોલાવી લીધા. જ્યારે દીકરાના પિતા ત્યાં પહોંચ્યા તો ગુસ્સે ભરાયેલા લોકોએ તેમને પણ છોડ્યા નહીં અને તેમની સાથે પણ મારપીટ કરી. એટલું જ નહીં, બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ ત્રણેય લોકોને (યુવક, તેનો મિત્ર અને યુવકના પિતા) કપડાં ઉતરાવીને તદ્દન નગ્ન હાલતમાં ઘરની બહારની ગલીમાં આશરે 50 મીટર સુધી ફેરવવામાં આવ્યા. મધ્યયુગીન સજાની યાદ અપાવતી આ શરમજનક ઘટનાથી આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો અને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી. એક સિનિયર પોલીસ અધિકારીએ માહિતી આપી કે આ મામલે યુવતીના પિતા અને તેના મામા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી છે અને જે લોકો આ અમાનવીય કૃત્યમાં સામેલ હતા તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સમાજમાં કાયદો હાથમાં લેનારા આવા તત્વો સામે લોકો પણ હવે ફિટકાર વરસાવી રહ્યા છે અને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
