દિલ્હી રમખાણો અને એમાં પણ ખાસ કરીને મોટા કાવતરાના કેસોની ચર્ચા આજે પણ દેશભરમાં ચાલતી હોય છે. આ જ કેસમાં એક આરોપી તરીકે જેલ હવાલે રહી ચૂકેલા અને હાલ જામીન પર બહાર આવેલા શાદાબ અહમદની મુશ્કેલીઓ હાલ તો યથાવત રહી છે. શાદાબ અહમદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેના જામીનની શરતોમાં થોડી છૂટછાટ માંગતી અરજી મૂકી હતી. તેની ઈચ્છા ગાઝિયાબાદ જઈને લો ક્લાસિસ એટેન્ડ કરવાની હતી, સાથે જ દિલ્હી પોલીસ સમક્ષ અઠવાડિયામાં 2 વખત હાજરી આપવાના નિયમને બદલે માત્ર 1 જ વાર રિપોર્ટ કરવાનું કહ્યું હતું. પરંતુ, દેશની સર્વોચ્ચ અદાલતે તેની આ અરજી પર રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે શાદાબ અહમદને આ કેસમાં સીધી રાહત આપવાને બદલે પોતાની અરજી પાછી ખેંચી લેવાની છૂટ આપી છે. સાથે જ ન્યાયાધીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેણે પોતાની આ માંગણી કે જામીનની શરતોમાં ફેરફાર માટે લોઅર કોર્ટ એટલે કે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે આવા ગંભીર ક્રાઈમ કેસોમાં જામીન મળ્યા બાદ કોર્ટ દ્વારા કેટલીક કડક શરતો મૂકવામાં આવતી હોય છે, જેથી આરોપી કાયદાકીય પ્રક્રિયાથી ભાગી ન શકે કેસના પુરાવાઓ સાથે છેડછાડ ન કરે.
હવે શાદાબ અહમદના વકીલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે અને આગામી દિવસોમાં ટ્રાયલ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને લો ક્લાસિસ માટે ગાઝિયાબાદ આવન-જાવન કરવાની અને પોલીસ હાજરીના નિયમમાં છૂટ મેળવવાની કોશિશ કરશે. જો કે, ત્યાંથી તેને રાહત મળે છે કે નહીં તે તો આવનારો સમય જ નક્કી કરશે, પરંતુ હાલ પૂરતું તો કાનૂની દાયરામાં ફસાયેલા આ યુવકને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ શોર્ટકટ કે રાહત મળી નથી.
