જામનગર એસ.ટી. વિભાગમાં હાલમાં ભારે ચર્ચાનો વિષય બનેલો એક ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં ફરજ બજાવતાં મહિલા કંડક્ટર રચનાબેન જેઠવાએ વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે. તેમણે સીધા ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરનાં અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને વિભાગીય નિયામક બી.સી. જાડેજા અને વિભાગીય પરિવહન અધિકારી જે.વી. ઈશરાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે યુનિયનની હરીફાઈ અને જાતિગત ભેદભાવના કારણે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર વિવાદની શરુઆત જામનગર-હર્ષદ રૂૂટ પર થઈ હતી. રચનાબેન જ્યારે આ રૂૂટ પર ડ્યુટી પર હતા ત્યારે ડબલ ડ્યુટી અને પિતાની ગંભીર બીમારી વચ્ચે તેમને માનસિક તાણનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન તેઓ જે બસમાં હતા તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. નિયમ મુજબ ડ્રાઈવર દ્વારા ડેપોને જાણ કરવામાં આવી હતી અને બસ ભાટિયાથી પરત વાળીને વહેલી ખંભાળિયા ડેપો પહોંચી હતી. આ દરમિયાન ખંભાળિયા ડેપો ખાતે ફરજ બજાવતા ટી.સી. હરદેવસિંહ જાડેજા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી. જો કે, ખંભાળિયાના ડેપો મેનેજરની હાજરીમાં બંને પક્ષોએ બેસીને લેખિત સમાધાન પણ કરી લીધું હતું અને માફીપત્ર આપીને મામલો થાળે પાડ્યો હતો તેમ છતાં પાછળથી ભેદભાવ રાખીને તેમની દ્વારકા ડેપો ખાતે બદલી કરી દેવામાં આવી હતી અને વિભાગીય નિયામક દ્વારા રૂૂ. 4,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
મહિલા કંડક્ટર રચનાબેને પોતાની ફરિયાદમાં સૌથી મોટો આક્ષેપ એ કર્યો છે કે તેઓ એસ.ટી. નિગમના માન્ય સંગઠન ભારતીય મઝદૂર સંઘ (બી.એમ.એસ.) સાથે જોડાયેલા છે અને તેને સમર્થન આપે છે, જેના કારણે અધિકારીઓ તેમના પર અદાવત રાખી રહ્યા છે. નિયમ મુજબ આ પ્રકારના કેસની તપાસ અને કાર્યવાહી 30 દિવસમાં પૂરી થઈ જવી જોઈએ, પરંતુ આ કેસમાં જાણી જોઈને બે મહિના સુધી મામલો લંબાવવામાં આવ્યો હતો. વિભાગીય કચેરીમાં દરેક કર્મચારી માટે નિયમોનો સમાન અમલ થતો નથી અને અમુક ચોક્કસ લોકો માટે પક્ષપાતી વલણ અપનાવાય છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે મહિલા કંડક્ટરને ભારે શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. તેમણે મહિલા આયોગ સમક્ષ એવી ઉગ્ર માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિત કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. આ લડાઈ માત્ર એક વ્યક્તિગત વિવાદ નથી પરંતુ નોકરીમાં થતા અન્યાય અને ભેદભાવ સામેનો અવાજ છે, જેની નકલો અમદાવાદ સ્થિત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલી દેવામાં આવી છે જેથી આગામી દિવસોમાં આ મામલે મોટો ખુલાસો કે પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે.
