અમદાવાદ શહેરમાં ગુનેગારોની અવરજવર અને ગેરકાયદે હથિયારોના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે રામોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બહારથી કોઈ શખ્સ શહેરમાં હથિયારો લઈને ઘૂસવાનો છે. આ બાતમીના આધારે પોલીસે CTM એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા એક યુવકને ઝડપી પાડીને તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે પકડાયેલા શખ્સની ઝડતી લેતા તેની પાસેથી કાયદાની નજરે ચોંકાવનારી ચીજો મળી આવી હતી. તેની પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આ હથિયારો ઉપરાંત એક મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરીને કુલ રૂ. 61,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મહારાષ્ટ્રના માલેગાંવમાં રહેતા 28 વર્ષીય ઝાકીરબેગ મીરઝા તરીકે થઈ છે, જે આ ગેરકાયદે હથિયારોની હેરાફેરીમાં પકડાઈ ગયો છે.
પોલીસ કસ્ટડીમાં આરોપીની પૂછપરછ કરતા એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ હથિયારો તેણે મહારાષ્ટ્રના ઉબેત અંસારી પાસેથી લીધા હતા અને તેને કચ્છના ભુજમાં રહેતા સાજીદ નોડે નામના શખ્સ સુધી પહોંચાડવાના હતા. ખાસ વાત તો એ છે કે આ ખતરનાક ડિલિવરી કરવા માટે ઝાકીરબેગને માત્ર રૂ. 3,000નું કમિશન અને આવવા-જવાનો તમામ ખર્ચ આપવાનું નક્કી થયું હતું. થોડાક પૈસાના લોભમાં આ યુવક મોટા અપરાધના રસ્તે ચડી ગયો હતો.
આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધવામાં આવ્યો છે. આ રેકેટમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા ઉબેત અંસારી અને સાજીદ નોડેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં હથિયારો ઘૂસાડવાના આ નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે અને આની પાછળ બીજા કયા મોટા ચહેરાઓ છે, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
