દેશના એજ્યુકેશન હબ તરીકે જાણીતા કોટા શહેરમાંથી ફરી એકવાર હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ભણવા આવેલા બે અલગ-અલગ વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે અને વાલીઓની ચિંતા સાતમાં આસમાને પહોંચી ગઈ છે. આ બંને ઘટનાઓએ ફરી એકવાર કોટાની હોસ્ટેલ અને પીજી કલ્ચરની સુરક્ષા તેમજ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર સવાલો ખડા કરી દીધા છે.
પ્રથમ ઘટનામાં મધ્યપ્રદેશનો રહેવાસી અને માત્ર 16 વર્ષની ઉંમરનો એક કિશોર જે જેઈઈની તૈયારી કરી રહ્યો હતો, તે પોતાના પીજી રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આટલી નાની વયે સપનાં પૂરા કરવા ઘરથી દૂર આવેલા આ દીકરાના અચાનક આ પગલાંથી પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે. તો વળી, બીજી એક હચમચી નાખતી ઘટનામાં બિહારનો 19 વર્ષનો એક યુવાન જે નીટની પરીક્ષાની તૈયારી માટે કોટામાં રહેતો હતો, તે પોતાની હોસ્ટેલના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. બાદમાં હોસ્પિટલ લઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ બંને કરૂણ બનાવ બાદ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોએ હોસ્ટેલ અને પીજીના સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. પરિજનોનો સીધો આરોપ છે કે સંચાલકોની મોટી બેદરકારીના કારણે જ તેમના બાળકોએ જાન ગુમાવવો પડ્યો છે. જો સમયસર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ કિંમતી જીવ બચી શક્યા હોત. હાલ તો આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને બંને ઘટના પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે આસપાસના લોકો તેમજ રૂમમેટ્સની પૂછપરછ ચાલી રહી છે.
