ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ ઘણી જગ્યાએ સાથ ન આપતા આખરે ખેડૂતો અને પશુપાલકો પર મોટી આફત આવી પડી છે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ માત્ર 89 ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે પાણીની તંગી અને પાક નિદ્યળવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. આ સ્થિતિને ગંભીરતાથી લઈને ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે વરસાદની ભારે ઘટવાળા 4 જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરનો સમાવેશ થાય છે, તેને અધિકૃત રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધા છે.
કુદરતી માર સહન કરી રહેલા અન્નદાતાઓની વહારે આવતા સરકાર દ્વારા ખાસ આર્થિક રાહત પેકેજનું એલાન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત પ્રભાવિત ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ આર્થિક મદદ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે, જેથી નાના અને સીમાંત ખેડૂતોને મુશ્કેલ સમયમાં મોટો ટેકો મળી રહે.
સરકારના આ નિર્ણયથી આ 4 જિલ્લાના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા છે. ઓછા વરસાદના કારણે અગાઉથી જ ચિંતિત બનેલા ખેડૂત પરિવાર માટે આ સહાય ઘા પર મલમ સમાન સાબિત થશે. સરકારની આ જાહેરાત બાદ હવે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી ઝડપી બનાવીને પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સમયસર સહાયના નાણાં જમા થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
