રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં દિવાળીના તહેવારોને લઈને બજારમાં રોકડ રકમની ભારે લેણદેણ ચાલી રહી છે, ત્યારે વેપારીઓ અને આંગડિયા પેઢીઓને ટાર્ગેટ બનાવીને એક મોટો ખેલ પાડવાની ફિરાકમાં રહેલી કુખ્યાત આંતરરાજ્ય ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. રાજકોટ શહેર SOG ની ટીમે બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા કુવાડવા નજીક વાંકાનેર ચોકડી પાસેથી ફિલ્મી ઢબે નાકાબંધી કરીને એક શંકાસ્પદ XUV ગાડીને ઘેરી લીધી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી દેશી પિસ્ટલ, ધારદાર છરીઓ, બેઝબોલનો ઘોકો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 5,61,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ કુખ્યાત ટોળકીએ સૌરાષ્ટ્રના વેપારી કેન્દ્રો ગણાતા જામનગર અને જૂનાગઢમાં આવેલી આંગડિયા પેઢીઓની અગાઉથી જ રેકી કરી લીધી હતી. જૂનાગઢની પેઢીઓમાંથી મોટી રોકડ લઈને નીકળતા કર્મચારીઓ કયા રસ્તે અને ક્યારે પસાર થાય છે તેની તમામ રેકી કરીને તહેવારોની ભીડભાડમાં તેમના પર હથિયારોથી હુમલો કરી રોકડ લૂંટીને પરપ્રાંત ભાગી જવાનો તેમનો પાકો પ્લાન હતો. જો કે, રાજકોટ SOG ના અધિકારીઓની સતર્કતા અને સઘન પેટ્રોલિંગને કારણે સમયસર આ ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે અને એક ગંભીર ગુનાની વ્યાપક યોજના નિષ્ફળ ગઈ છે.
ઝડપાયેલા આરોપીઓની ગુનાહિત કુંડળી તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશ્ચિમ ચંપારણ, બિહારનો રહેવાસી રંજનકુમારસિંહ ફિરંગીસિંહ રાજપુત આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, જેની સામે બિહારના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ધાડ, ખૂન અને NDPS એક્ટ જેવા કુલ 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. તેની સાથે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો જાકીરઅલી લીયાકતઅલી, જૈસવાલનગરનો સૈફુદ્દીન નજમીયા અંસારી, મુંબઈના વડાલામાં રહેતો મહંમદ શાહબાઝ શેખ અને મહારાષ્ટ્રના થાણેનો સંજય સૂર્યનારાયણસિંહ રાજપુત પણ આ લૂંટના પ્લાનમાં સામેલ હતા. હાલ આ કેસમાં ફરાર અન્ય એક આરોપી મહેબૂબની શોધખોળ માટે પોલીસ ટીમો કામે લાગી છે અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
