JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

માતાના મઢની માટી નીકળી મંગળ ગ્રહ જેવી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા

Oct 26, 2026 | 15:35 | By JAMNAGAR MIRROR
માતાના મઢની માટી નીકળી મંગળ ગ્રહ જેવી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા
કચ્છના માતાના મઢ નજીકની પીળાશ પડતી માટીમાં મંગળ ગ્રહ જેવા જ ખનિજ ગુણધર્મો મળી આવ્યા છે. અમદાવાદની પીઆરએલ અને આઈઆઈટી-ગાંધીનગરના સંયુક્ત સંશોધનમાં ખુલાસો થયો છે કે આ માટી લાલ ગ્રહ પરના રિમોટ સેન્સિંગ ડેટાના વિશ્ર્લેષણમાં ક્રાંતિકારી સાબિત થશે. આ અદભુત રિસર્ચ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.

કચ્છનો રણપ્રદેશ અને તેના પવિત્ર યાત્રાધામો હંમેશાં કંઈક ને કંઈક અદભુત રહસ્યો માટે જાણીતા છે, પરંતુ આ વખતે મામલો સીધો અવકાશ અને મંગળ ગ્રહ સુધી પહોંચ્યો છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલા માતાના મઢ નજીકની પીળાશ પડતી કથ્થઈ માટી સામાન્ય નજરે ભલે સાધારણ લાગતી હોય, પરંતુ અવકાશ વૈજ્ઞાનિકો માટે આ માટી કોઈ અણમોલ ખજાનાથી કમ નથી. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને આઈઆઈટી-ગાંધીનગરના સંશોધકોએ એક સંયુક્ત અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે આ માટી અહુબળ મંગળ ગ્રહની સપાટી પર જોવા મળતા ખનિજ જેવા જ ગુણધર્મો ધરાવે છે.

આ રોમાંચક સંશોધનમાં પીઆરએલના વૈજ્ઞાનિક ડો. નીરજ શ્રીવાસ્તવની આગેવાની હેઠળ દિનેશ કરુણાકરણ, અભિષેક વર્મા, ત્વિશા કાપડિયા અને ધ્વનિલ પટેલની ટીમે ભારે જહેમત ઉઠાવી છે. ડો. શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, માતાના મઢ નજીકના બેસાલ્ટિક કાંપવાળા સ્તરોમાંથી લગભગ શુદ્ધ સ્વરૂપમાં ‘નેટ્રોજેરોસાઇટ’ નામનું દુર્લભ ખનિજ મળી આવ્યું છે. આ વિસ્તારની ભૂસ્તરીય રચના દર્શાવે છે કે ભૂતકાળમાં અહીં અત્યંત શુષ્ક, એસિડિક અને પાણીની અછતવાળું વાતાવરણ રહ્યું હશે. બરાબર આ જ પ્રકારની આબોહવા લાખો વર્ષો પહેલાં મંગળ ગ્રહના પ્રાચીન ઇતિહાસમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી.

અગાઉ મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં ફરતા ઓર્બિટર અને સપાટી પર મોકલવામાં આવેલા રોવર્સના સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા લાલ ગ્રહના વિવિધ પ્રદેશોમાં જેરોસાઇટ ખનિજ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. હવે આપણા વૈજ્ઞાનિકોએ આ માટીના કણોના કદ, પ્રકાશનું પરાવર્તન અને તેના રાસાયણિક બંધારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એક વિશેષ એટ્રિબ્યુટ્સ લાઈબ્રેરી તૈયાર કરી છે. આ શોધના કારણે હવે વૈજ્ઞાનિકો અવકાશમાંથી મોકલવામાં આવતા સ્પેક્ટ્રલ ડેટાનું વધુ સચોટ વિશ્ર્લેષણ કરી શકશે, એટલું જ નહીં પણ ભવિષ્યના અવકાશ મિશનો માટે મંગળ જેવી જ કૃત્રિમ માટી તૈયાર કરવામાં પણ આ કચ્છની માટી મોટી ભૂમિકા ભજવશે.

LATEST ARTICLES