JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતના 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર, ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય મળશે

Oct 26, 2026 | 14:40 | By JAMNAGAR MIRROR
ગુજરાતના 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર, ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય મળશે
આ વર્ષે અલનીનોની અસર અને ઓછા વરસાદને કારણે રાજ્યની સ્થિતિ ચિંતાજનક બની છે. સરકારે પોરબંદર, જામનગર, કચ્છ અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો અને પશુપાલકો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.

આ વખતે મેઘરાજાએ રીતસરના આંખ આડા કાન કરતા ગુજરાતમાં પાણીની સ્થિતિ ઘણી વિકટ બની છે. અલનીનોની અસરોના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થવાથી જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે અને શિયાળાએ પણ મોડા દસ્તક દીધા છે. ખેડૂતોના મોં પર આવેલા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે રાજ્ય સરકારે સમયસર મોટું પગલું ભરતા ચાર મહત્વના જિલ્લાઓમાં અછતની સ્થિતિ જાહેર કરી દીધી છે. ગાંધીનગરમાં મળેલી પત્રકાર પરિષદમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે મુશ્કેલીના આ સમયમાં સરકાર પ્રજાની પડખે જ ઊભી છે.

ગાંધીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્ય સરકારે પોરબંદર, જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું છે તેની ભરપાઈ માટે સરકારે સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને રોજી-રોટી માટે મુશ્કેલી ન પડે.

માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મૂગા પશુઓની ચિંતા પણ સરકારે અગાઉથી જ કરી લીધી છે. પશુઓના ઘાસચારા માટે આગોતરૂ આયોજન કરાયું છે અને હાલમાં રાજ્ય સરકાર પાસે 3 કરોડ કિલો ઘાસચારો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પશુપાલકોને રાહત આપવા માટે પશુ દીઠ રોજના 85 રૂપિયાની સહાય આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. અગાઉ વર્ષ 2018માં પણ ઓછા વરસાદને કારણે 51 તાલુકાઓમાં અછત જાહેર કરીને આવી જ રીતે સહાય, ઢોરવાડા અને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને તેવો જ અભિગમ અપનાવીને આ વખતે પણ સરકાર જનતાને રાહત આપવા માટે કટિબદ્ધ છે.

LATEST ARTICLES