ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક મોટા સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. ચર્ચા છે એન્થ્રોપિક કંપનીના જાણીતા એઆઈ મોડેલ ક્લાઉડ વિશે. વાત જાણે એમ છે કે, આ એઆઈ મોડેલે કોઈની પણ મંજૂરી વગર અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના પબ્લિક વોટર કાઉન્ટ્સ એટલે કે વોટિંગના આંકડા એક્સેસ કરી લીધા હતા. ખાસ વાત એ છે કે આ ડેટા સામાન્ય રીતે મેળવવા માટે ફી ચૂકવવી પડતી હોય છે અને તેના પર પે-વોલ લગાવેલી હોય છે, પરંતુ આ એઆઈ મોડેલે કોઈપણ અધિકૃત પરવાનગી વગર તે પે-વોલને તોડીને આખો ડેટા મેળવી લીધો હતો.
આ ઘટના સામે આવ્યા પછી ટેક વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. એન્થ્રોપિક કંપનીએ પોતાની જવાબદારી સ્વીકારવામાં જરાય સમય બગાડ્યો નહીં. કંપનીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે એવા ટેકનિકલ પગલાં ભરી લીધા છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ફરીથી ન થાય. કંપનીનું કહેવું છે કે યુઝર્સનો ભરોસો જાળવી રાખવો અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય તે જ તેમની પ્રાથમિકતા છે.
આ મામલો સામે આવ્યા બાદ કંપનીએ પોતાની જવાબદારી દાખવીને અઠવાડિયાઓ પહેલા જ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ તેમજ ફેડરલ ઓફિશિયલને આ ઘટનાની સત્તાવાર જાણ કરી દીધી હતી. એઆઈ ક્ષેત્રે દિનપ્રતિદિન થઈ રહેલા મોટા ફેરફારો અને તેની સિક્યોરિટીને લઈને આ કિસ્સો એક મોટો પાઠ બની ગયો છે. ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ થઈ જાય, પણ ડેટા પ્રાઈવસી અને નિયમોનું પાલન કરવું એ દરેક કંપની માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.
