અમદાવાદ શહેરમાં આપણે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જઈને ફાસ્ટ ફૂડ સાથે મજાથી જે ટોમેટો કેચઅપ ખાઈએ છીએ, તે ખરેખર ટમેટાનો બનેલો છે કે પછી કોઈ કેમિકલ લોચો છે? આ સવાલ એટલા માટે થાય કારણ કે તાજેતરમાં જ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોતા અને બહેરામપુરા વિસ્તારમાંથી થોડા સમય પહેલાં જપ્ત કરવામાં આવેલા સોસના સેમ્પલના રિપોર્ટ હવે હાથમાં આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. લેબ ટેસ્ટમાં આ સોસ એકદમ સબસ્ટાન્ડર્ડ એટલે કે હીન કક્ષાનો હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આ સોસમાં અસલ ટમેટાના બદલે સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે હતું અને તેને લાલચોળ દેખાડવા માટે જોખમી સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે સોસને આકર્ષક બનાવવા માટે એકસાથે 4 અલગ-અલગ પ્રકારના કલર ભેળવવામાં આવતા હતા. અગાઉ બહેરામપુરામાં ‘સ્નેક ટચ અપ’ નામના ખોટા નામે ધમધમતી ફેક્ટરી પર રેડ પાડીને અંદાજે 2 ટન સોસ પકડવામાં આવ્યો હતો, જ્યારે ગોતામાંથી પણ આશરે 10 ટન જેટલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. આમ કુલ મળીને અંદાજે 12 ટન જેટલો અખાદ્ય અને જોખમી જથ્થો પકડાયો હોવાથી ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ફેક્ટરીઓની અંદરની સ્થિતિ તો વળી તેનાથી પણ વધુ ડરામણી હતી. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સ્વચ્છતાનું નામ નિશાન નહોતું અને ભયાનક ગંદકી વચ્ચે આ સોસનું પેકિંગ કરીને સીધો હોલસેલ માર્કેટમાં વેચવા માટે મોકલી દેવામાં આવતો હતો. ટોમેટો કેચઅપના નામે વેચાતી આ ડુપ્લીકેટ ચટણી સીધી સામાન્ય લોકોના પેટમાં જઈ રહી હતી, જે બાળકો અને વડીલોના હેલ્થ માટે ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલ તો આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવવાથી લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે, ત્યારે આવા બેજવાબદાર ઉત્પાદકો સામે તંત્ર કડક એક્શન લઈને કેવા દાખલારૂપ પગલાં ભરે છે તેના પર બધાની નજર છે.
