JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

કાળી ચૌદસના કકળાટ કાઢવાની પરંપરા સામે વિજ્ઞાન જાથાનો વિરોધ, સંતોએ ગણાવ્યું સનાતન વિરોધી

Oct 26, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
કાળી ચૌદસના કકળાટ કાઢવાની પરંપરા સામે વિજ્ઞાન જાથાનો વિરોધ, સંતોએ ગણાવ્યું સનાતન વિરોધી
રાજકોટ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સરકારને પત્ર લખીને કાળી ચૌદસના દિવસે ચોકમાં કુંડાળા કરીને અનાજ અને પાણીનો બગાડ અટકાવવા માગ કરી છે. આ મામલે જ્યોતિર્નાથ બાપુએ આકરા પ્રહારો કરતા તેને સનાતન સંસ્કૃતિ પર પ્રહાર ગણાવ્યો છે અને સમાજને ગેરમાર્ગે ન દોરવા ચેતવણી આપી છે.

દીવાળીના તહેવારોની ધમાચકડી વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આપણા સમાજમાં વર્ષોથી ચાલી આવતી કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાની પરંપરાને લઈને વિવાદ સર્જાયો છે. રાજકોટ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ રાજ્ય સરકારને પત્ર લખીને એવી માગ કરી છે કે કાળી ચૌદસના દિવસે ચોકમાં જે પાણીના કુંડાળા કરવામાં આવે છે અને તેમાં જે અનાજ મૂકવામાં આવે છે, તેનો મોટો બગાડ થાય છે. આ અનાજનો બગાડ અટકાવવા માટે સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય પરિપત્ર બહાર પાડવો જોઈએ. તેમનું કહેવું છે કે એક તરફ દુનિયામાં કેટલાય લોકોને પૂરતું અનાજ ખાવા માટે નથી મળતું, ત્યારે આ પ્રકારે અનાજ અને પાણીનો બગાડ થવો યોગ્ય નથી અને સરકારની આ નૈતિક ફરજ છે કે તે આ અટકાવે. આ મામલે મોરબીમાં જનજાગૃતિ ફેલાવવા માટે ધારાસભ્યના કાર્યાલયથી ખાસ પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવશે.

પરંતુ જયંત પંડ્યાની આ રજૂઆત બાદ ધાર્મિક વર્તુળો અને સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણીતા સંત જ્યોતિર્નાથ બાપુએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને તેને સનાતન પરનો સીધો પ્રહાર ગણાવ્યો છે. જ્યોતિર્નાથ બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાની આપણી વર્ષો જૂની સનાતની પરંપરા છે. કોઈ પણ જાતની સમજ વગર આ પ્રકારે વાહિયાત નિવેદનો આપીને વારંવાર સનાતન પ્રણાલી પર પ્રહાર કરવા અને સમાજને ગેરમાર્ગે દોરવાનું હવે બંધ કરવું જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે જો આ પ્રકારના નિવેદનો નહીં અટકે તો સનાતન સંત સમિતિ આનો આકરો જવાબ આપશે.

તહેવારોના સમયમાં અંધશ્રદ્ધા નિવારણ અને પરંપરાગત રીતિ-રિવાજો વચ્ચેની આ લડાઈ હવે વધુ તેજ બની રહી છે. એક તરફ જ્યાં અનાજનો બગાડ અટકાવવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે સંતો મેદાને આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે કોઈ પગલાં ભરે છે કે પછી વિવાદ હજી વધુ લાંબો ચાલે છે.

LATEST ARTICLES