આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકોનો આખો દિવસ મોબાઈલ સ્ક્રીન સામે કે સોશિયલ મીડિયાના રિલ્સ જોવા પાછળ જ પસાર થઈ જાય છે, ત્યાં રાજકોટમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. વાત છે રાજકોટમાં છેલ્લા 11 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરતી ‘નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ’ની. અહીં સંસ્કારના પાયા પર શિક્ષણની ઇમારત ચણવામાં આવે છે અને આ જ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે નવરાત્રીના પાવન પર્વ પર એક ભવ્ય અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુષ્ઠાનમાં નાના-નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ ખૂબ જ ભાવસભર રીતે માતાજીની આરાધના કરી હતી અને પોતાનો યજ્ઞ સંપન્ન કર્યો હતો.
આ વિશેષ અનુષ્ઠાનની સૌથી મોટી ખાસિયત એ રહી કે તેમાં ભાગ લેનારા 500થી વધુ વિદ્યાર્થીઓએ નવરાત્રીના દિવસો દરમિયાન હોટેલના ટેસ્ટી ફૂડ, મોબાઈલ ફોન, ફિલ્મો અને સોશિયલ મીડિયા જેવી આધુનિક મોજશોખની ચીજોનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. બાળકોએ આ બધી જ બાબતોથી દૂર રહીને સંયમનો અદ્ભુત પાઠ ભણાવ્યો હતો. આ ધાર્મિક અને આધ્યાત્મિક આરાધનામાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના વાલીઓ અને સ્કૂલના શિક્ષકો પણ પૂરા ઉત્સાહથી જોડાયા હતા. સહુએ સાથે મળીને મંત્ર જાપ, ધ્યાન અને યજ્ઞ અનુષ્ઠાનની વિવિધ ક્રિયાઓમાં ભાગ લઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
સંસ્થાના ફાઉન્ડર સાંઈરામ દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પણ એક ગહન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છુપાયેલો છે. તેમના જણાવ્યા મુજબ, અનુષ્ઠાન એ બાળકોમાં એકાગ્રતા જાળવવાનું એક અચૂક બ્રહ્માસ્ત્ર છે. નિયમિત ધ્યાન, મંત્ર જાપ અને યજ્ઞથી આસપાસનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, સાથે સાથે વિદ્યાર્થીઓમાં માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે. આજના આધુનિક સમયમાં પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓ આપણા પ્રાચીન વેદો અને આધુનિક વિજ્ઞાન બંનેને સાથે રાખીને આગળ વધી રહ્યા છે, જે ખરેખર વાલીઓ માટે પણ ગર્વની વાત છે.
