દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાન્ય નાગરિકોને સ્વાસ્થ્ય બાબતે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ સતવારાએ સરકારી હોસ્પિટલોમાં પર્યાપ્ત સાધન-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર સમક્ષ જોરદાર રજૂઆત કરી છે. હાલની સ્થિતિ જોતા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ છે, જેથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોના ભારેખમ ખર્ચથી બચાવી શકાય.
આ રજૂઆતમાં મુખ્યત્વે જિલ્લાના ચારેય તાલુકાઓ જેવા કે ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા તથા ભાણવડની સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે આઈસીયુ વોર્ડ શરૂ કરવાની માંગ કરાઈ છે. એમાં પણ ખાસ કરીને ખંભાળીયા સિવાયના બાકીના ત્રણેય તાલુકાઓમાં અત્યારે આઈસીયુ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગંભીર દર્દીઓને મુશ્કેલી પડે છે, જેથી ત્યાં તાત્કાલિક આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડની હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ અને સામાન્ય દર્દીઓની સગવડ માટે સોનોગ્રાફીની સુવિધા શરૂ કરવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે.
આરોગ્ય તંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે જિલ્લાના તમામ 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિયમિત એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવાની માંગ પણ કરવામાં આવી છે, જેથી સમયસર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. આ સાથે જ હાલ દોડતી ખીલખીલાટ વાનની સંખ્યા ઓછી હોવાથી તેમાં પણ વધારો કરવા રજૂઆતમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જો આ તમામ સુવિધાઓ વહેલી તકે પૂરી પાડવામાં આવે તો જિલ્લાના સામાન્ય અને પછાત વર્ગના લોકોને ઘરઆંગણે જ ઉત્તમ મેડિકલ સારવાર મળી રહેશે.
