JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં વિધવા બહેનો 7 મહિનાથી પેન્શન વંચિત, દિવાળી ટાણે તંત્ર સામે રોષ

Oct 26, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
જામનગરમાં વિધવા બહેનો 7 મહિનાથી પેન્શન વંચિત, દિવાળી ટાણે તંત્ર સામે રોષ
જામનગર શહેર અને જિલ્લામાં હજારો વિધવા બહેનોને છેલ્લા 7 મહિનાથી પેન્શન ન મળતાં આર્થિક હાલત કફોડી બની છે. દિવાળીના તહેવાર પહેલાં બાકી નીકળતી તમામ રકમ એકસાથે ચૂકવવાની માગ સાથે મહિલાઓએ તંત્ર સામે મોરચો ખોલ્યો છે અને નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન સામે આવ્યો છે. જે મહિલાઓ માટે પેન્શન જ ઘર ચલાવવાનો એકમાત્ર સહારો છે, તે જ વિધવા બહેનોને છેલ્લા 7 મહિનાથી સરકારી સહાય પેટે એક પણ રૂપિયો મળ્યો નથી. પરિસ્થિતિ એવી છે કે યુવાન મહિલાઓથી માંડીને 85 વર્ષ સુધીની વયોવૃદ્ધ દાદીમાઓ પણ પોતાના હકની રકમ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કચેરીઓમાંથી ક્યારેક દિવાળી પછી પેન્શન આવશે જેવા ગોળગોળ જવાબો મળતા હોવાથી બહેનોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે અને તેમણે કચેરી બહાર જઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ મામલે પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ સેવાદળનાં પ્રભારી રચનાબેન નંદાણિયાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં વિધવા બહેનો એકત્ર થઈ હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહેનોનું સ્પષ્ટ કહેવું હતું કે જો દિવાળી જેવા મોટા તહેવાર ટાણે જ હાથમાં પૈસા નહીં હોય, તો ગરીબ અને નિરાધાર પરિવારો પોતાના ઘરમાં દીવા પણ કેવી રીતે પ્રગટાવશે? 7 મહિનાથી નાણાં અટવાઈ જવાના કારણે અનેક પરિવારો માટે ખાવા-પીવાના પણ ફાંફા પડી ગયા છે. આ તમામ બાબતો રજૂ કરવા માટે મહિલાઓએ નિવાસી નાયબ કલેક્ટર વિમલ ચૌધરીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું અને ત્વરિત ઉકેલ લાવવાની માગ કરી હતી.

મહિલાઓની આ રજૂઆત બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. નિવાસી નાયબ કલેક્ટરે તમામ પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા બાદ આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી છે. જરૂરી કાગળો અને પ્રક્રિયા પૂરી કરવા માટે તંત્ર દ્વારા 1 સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે અને આગામી અઠવાડિયે આ અંગે ફોલોઅપ લેવા માટે પણ જણાવ્યું છે. અધિકારીઓ દ્વારા બાકી રહેલા તમામ મહિનાનું પેન્શન એકસાથે જમા થઈ જશે તેવી આશા બંધાવાઈ છે, ત્યારે હવે આ તમામ વિધવા બહેનોની મીટ દિવાળી પહેલાં ખાતામાં જમા થનારી રકમ પર મંડાયેલી છે.

LATEST ARTICLES