આઝાદી પછી પહેલીવાર દેશમાં સંરક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત અને રોચક કામ ચાલી રહ્યું છે. આપણી સેનાની કરોડરજ્જુ સમાન T-72 અને T-90 ટાંક્સ હવે વિદેશ પર નિર્ભર રહેવાને બદલે દેશમાં જ મજબૂત બનશે. મધ્ય પ્રદેશની વ્હીકલ ફેક્ટરી જબલપુર ખાતે આ અંગેનું એક મોટું મિશન ચાલી રહ્યું છે. દશકો જૂના રશિયન ડ્રોઈંગ્સ અને એન્જિનિયરિંગ પ્લાન્સને ઉકેલીને આ ટાંક્સને તોડીને ફરીથી નવા જેવી બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ કામ એટલું સરળ નથી, કારણ કે દશકો જૂના દસ્તાવેજો રશિયન ભાષામાં અને તે જમાનાની ટેકનોલોજી મુજબના છે, છતાં આપણા એન્જિનિયર્સે કમાલ કરી બતાવી છે.
ચેન્નઈના અવાડી ખાતે આવેલી હેવી વ્હીકલ ફેક્ટરી સાથે મળીને જબલપુરના એન્જિનિયર્સે અત્યાર સુધીમાં લગભગ 70% જેટલા સ્પેશિયાલાઈઝ્ડ ફિક્સ્ચર ડ્રોઈંગ્સ સફળતાપૂર્વક ડીકોડ કરી લીધા છે. જે જગ્યાએ જૂના ડ્રાફ્ટ કે ડોક્યુમેન્ટ્સ ગાયબ કે અધૂરા છે, ત્યાં આપણા એન્જિનિયર્સે પોતાની જાતે સ્વદેશી ડિઝાઇન્સ વિકસાવવાનું શરૂ કરી દીધું છે. આત્મનિર્ભર ભારત તરફનું આ એક ખૂબ મોટું અને મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે.
આગામી સમયમાં આપણી આર્મીને વધુ મજબૂત અને અપડેટેડ રાખવા માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. સરકાર દ્વારા આ સમગ્ર 462 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એપ્રિલ 2028થી દર વર્ષે આશરે 80 આર્મી ટાંક્સનું સંપૂર્ણ ઓવરહોલિંગ એટલે કે રીપેરિંગ અને અપગ્રેડેશન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી માત્ર વિદેશી કંપનીઓ પરનો આધાર જ નહીં ઘટે, પરંતુ આપણા પોતાના એન્જિનિયર્સની ટેકનિકલ કુશળતા પણ નવી ઊંચાઈઓ સર કરશે.
