ગુજરાતમાં લોકશાહી અને મતદાનની પવિત્રતા જાળવી રાખવા માટે હવે રાજકારણ ગરમાયું છે. મતદાર યાદીઓમાં થતી કથિત ગેરરીતિઓ અને વોટ ચોરી અટકાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટોડગલો ભરવામાં આવ્યો છે. પક્ષ દ્વારા રાજ્યભરમાં પ્રત્યેક બૂથ સ્તરે ‘મત રક્ષકો’ અથવા ‘વોટ રક્ષક’ નિયુક્ત કરવાની મહત્ત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે, જેથી કોઈ પણ સાચા મતદારનો અધિકાર છીનવાઈ ન જાય.
અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ચૂંટણી પંચની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રોસેસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 74 લાખથી વધુ મતદારો ગેરહાજર, મૃતક, ડુપ્લિકેટ કે અન્ય સ્થળે શિફ્ટ થયેલા હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની અને તેમની સામે ફોજદારી કેસ કરવાની માંગ પણ દોહરાવી છે.
આ લડાઈને હવે ગામડાઓ અને શહેરના વોર્ડ સુધી લઈ જવા માટે કોંગ્રેસે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત બૂથ લેવલે જાગૃતિ બેઠકો યોજાશે. આ સ્થાનિક ‘મત રક્ષકો’ દરેક ઘર અને મતદારની યાદી ચકાસવાનું કામ કરશે. બીજી તરફ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માહિતી આપી હતી કે પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘વોટ ચોર, ગાદી છોડ’ સિગ્નેચર કેમ્પેનને જનતાનો જોરદાર સપોર્ટ મળ્યો છે અને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નાગરિકોએ તેમાં જોડાઈને સહી કરી છે. આ જ મુદ્દે આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક વિશાળ રાષ્ટ્રીય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા માટે નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે.
