ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનોના મનોરંજન અને ધાર્મિક લાગણીઓને જાળવી રાખવાના હેતુથી કરાયેલો આ પ્રયાસ બેશક સારો હતો, પરંતુ કાર્યક્રમના નિમ્ન સ્તરીય આયોજનના કારણે આખો કાર્યક્રમ ફ્લોપ-શો સાબિત થયો હતો. મનપા દ્વારા એવો મોટો દાવો કરવામાં આવ્યો હતો કે આ શરદોત્સવમાં 4000થી વધુ ઉત્સાહી શહેરીજનો ઉમટી પડશે. જો કે, વાસ્તવિકતા આ દાવાઓથી તદ્દન વિપરીત રહી હતી અને કાર્યક્રમ સ્થળે વધીને માંડ 2200 જેટલી જ ખુરશીઓ ભરાઈ શકી હતી, જ્યારે અડધો-અડધ ખુરશીઓ એકદમ ખાલીખમ જોવા મળી હતી. મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા આયોજકોની બેદરકારી ખુલ્લી પડી ગઈ હતી અને જે થોડીઘણી સંખ્યા દેખાઈ રહી હતી તેમાં પણ સામાન્ય જનતા કરતાં ખુદ ભાજપના કાર્યકરો અને મનપાના સ્ટાફની સંખ્યા જ આશરે 1000 જેટલી હતી. એટલે કે, સામાન્ય જનતાનો ઉત્સાહ આ કાર્યક્રમમાં નહિવત્ જોવા મળ્યો હતો અને માત્ર સરકારી વહીવટી તંત્ર તથા રાજકીય કાર્યકર્તાઓની ભીડથી જ આંગણું ભરાયાનો દેખાવ કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય આયોજન પાછળ પાણીની જેમ નાણાં વેરવામાં આવ્યા હતા, પરંતુ નબળા મેનેજમેન્ટને કારણે શરદોત્સવમાં અગાઉથી થયેલી ધારણા મુજબ વ્યવસ્થા કરાયેલી દૂધ-પૌવાની પ્રસાદી પણ મોટા પ્રમાણમાં વધી પડી હતી. આ સમગ્ર નિષ્ફળતા પાછળ આયોજનની અદૂરદર્શિતા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કાર્યક્રમ યોજવાની મુખ્ય જવાબદારી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનિષ ભટ્ટને સોંપવામાં આવી હતી. અગાઉ મટકીફોડના કાર્યક્રમમાં પણ તેમની કુશળતાના દાવાઓ પોકળ સાબિત થયા હતા, અને હવે શરદોત્સવના આ બીજા કાર્યક્રમમાં પણ મનિષ ભટ્ટની કહેવાતી કુશળતા પર પાણી ફરી વળ્યું છે.
ટેન્ડર દ્વારા અપાયેલા આ કામમાં માત્ર સવા કલાકમાં જ અંદાજે 10 લાખ રૂપિયાનું આંધણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં એન્કર માટે રૂા. 3,500, એલઇડી સેટ તથા લાઈવ વિડિયોગ્રાફી માટે રૂા. 1,20,000, મુખ્ય સ્ટેજ પર ગરબાની રજવાડી થીમ માટે રૂા. 25,000 તેમજ કલાકારોના એકોમોડેશન, ભોજન અને ટ્રાવેલિંગ પાછળ રૂા. 2,50,000 ખર્ચવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 શિલ્ડના રૂા. 6,500, ડ્રોન વિડિયોગ્રાફી-ફોટોગ્રાફી માટે રૂા. 20,000 અને 4000 વ્યક્તિઓ માટેના દૂધ-પૌવા પાછળ પૂરા રૂા. 2,00,000 ખર્ચ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે કાર્યક્રમ શરૂ થયાની 1 કલાક બાદ પણ સ્ટેજ સામે ગોઠવવામાં આવેલી અડધાથી વધુ ખુરશીઓ ખાલીખમ હતી અને લોકોની પાંખી હાજરીના કારણે આયોજકોએ થપ્પામાંથી વધારાની 500 ખુરશીઓ તો બહાર કાઢવાની પણ જરૂર નહોતી પડી.
