સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં સરકારી બાબુઓની લાંચિયા વલણ સામે હવે સિંકજા કસાવા લાગ્યો છે. થોડા સમય અગાઉ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો હતો, અને હવે પીજીવીસીએલ કચેરીનો એક કર્મચારી પણ એસીબીના છટકામાં ફસાઈ ગયો છે. ચોટીલા પીજીવીસીએલના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં હેલ્પર તરીકે ફરજ બજાવતા બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને રૂા.60 હજારની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે, જેના કારણે વીજ વિભાગના ભ્રષ્ટ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.
સમગ્ર માની લો કે એક સામાન્ય નાગરિક સાથે જોડાયેલો છે. ફરિયાદીની વાડીમાંથી પીજીવીસીએલ દ્વારા વીજમીટર ઉતારીને કચેરીએ લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ નિયમ મુજબ આ મીટર પુનઃસ્થાપિત કરવા માટે જ્યારે ફરિયાદીએ રજૂઆત કરી, ત્યારે કર્મચારીઓ દ્વારા વીજચોરી થઈ હોવાનું જણાવીને ભારે દંડ ભરવો પડશે તેવી બીક બતાવવામાં આવી હતી. આ દંડની કાર્યવાહીમાંથી બચાવવા અને ઉતારેલું મીટર પાછું ફરીથી લગાવી આપવા માટે હેલ્પર બીપીનભાઈ પારેજિયાએ શરૂઆતમાં રૂા.70 હજારની લાંચ માગી હતી. જોકે, સોદાબાજી અંતે રૂા.60 હજારમાં નક્કી થઈ હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે આ મામલે સમય ગુમાવ્યા વગર એક સચોટ છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપી હેલ્પર બીપીનભાઈ પારેજિયા ફરિયાદી પાસેથી રૂા.60 હજારની લાંચ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે સ્થળ પરથી લાંચની આ રકમ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ થયેલી આ સફળ કાર્યવાહીથી પંથકમાં લાંચ લેતા તમામ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
