JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા

Oct 26, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા
ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી સાથે સોશિયલ મીડિયા પર યુવતી બનીને લાખો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલોલના એક ઠગે વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરી ફેસબુક પર ખોટી આઈડી બનાવી ભોળા યુવકને પ્રેમજાળમાં ફસાવીને રૂૂ. 40.85 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો ભાવનગરથી પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના શહેરી વિસ્તારમાં રહેતા અને એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા 48 વર્ષીય જિજ્ઞેશભાઈ દેસાઈને ગત 12 એપ્રિલ, 2026ના રોજ સોનલ ઝાલા નામના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. આ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ વાતચીતનો સિલસિલો શરૂૂ થયો હતો અને સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ સોનલ ઝાલા તથા કાળિયાબીડમાં રહીને ભંડારીયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા હોવાનું જણાવ્યું હતું. ફોન અને વોટ્સએપ પર નિયમિત વાતો થવા લાગી, પરંતુ ઠગબાજે અવારનવાર વિડીયો કોલ કરવાનું ટાળીને માત્ર ઓડિયો પર જ વાતચીત ચાલુ રાખી હતી.

પ્રેમજાળમાં ફસાયા બાદ ઠગબાજે પોતાની ચાલ શરૂૂ કરી હતી. માતાને હૃદયની બીમારી હોવાનું નાટક કરીને અમદાવાદમાં સારવારના બહાને સૌપ્રથમ રૂૂ. 45,100 ની માંગણી કરવામાં આવી હતી, જે જિજ્ઞેશભાઈએ તરત મોકલી આપ્યા હતા. આટલું જ નહીં, સિહોરની પારિવારિક જમીન વેચતા પોતાના ભાગે રૂૂ. 2 કરોડ આવવાના છે અને પારિવારિક પ્રશ્નો ઉકેલાયા બાદ તમામ નાણાં પરત આપી દઈશ તેવી લાલચ આપીને એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન અલગ-અલગ બહાના હેઠળ નાણાં પડાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. જુદી જુદી બેંકમાં ઓનલાઈન ટ્રાન્સફર ઉપરાંત ક્રેડિટ કાર્ડ સ્વાઈપથી રૂૂ. 1.50 લાખ, ઓનલાઈન મની ટ્રાન્સફર કરતી દુકાન મારફતે રૂૂ. 8.85 લાખ, રૂૂ. 25 હજાર રોકડા અને રૂૂ. 35 હજારની કિંમતનો સેમસંગ અ31 મોબાઈલ પણ પડાવી લેવામાં આવ્યો હતો. આમ કુલ રૂૂ. 45,95,600 આપવામાં આવ્યા હતા, જેમાંથી થોડી રકમ પરત મળી હોવાથી કુલ રૂૂ. 40,85,600 બાકી રહ્યા હતા.

સમગ્ર કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જિજ્ઞેશભાઈએ પરત મળેલી રકમના બેંક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી. આ તપાસમાં પ્રિતેશ બળવંતરાય રાજગોર નામની વ્યક્તિ સામે આવતા મામલો શંકાસ્પદ બન્યો હતો. જ્યારે આ અંગે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે પ્રિતેશે પોતે જ સોનલ ઝાલાના નામે ફેસબુક આઈડી બનાવી હોવાનું અને મોબાઈલમાં વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવતીના અવાજમાં વાતો કરી હોવાનું કબૂલ્યું હતું. હાલોલના આ ઠગે અવાજ બદલીને આખી ગેમ રમી હતી અને લાખો રૂૂપિયા ખંખેરી લીધા હતા.

આ મામલે ગત 18 ઓક્ટોબર, 2026ના રોજ નોટરી લખાણ કરીને નાણાં પરત આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ મુદત વીતી જવા છતાં એક પણ રૂપિયો પરત ન મળતા આખરે પીડિત યુવકે પોલીસના દરવાજા ખટખટાવ્યા છે. ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવને પગલે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે.

LATEST ARTICLES