લાહોરના મેદાન પર રવિવારે (26 ઓક્ટોબર) રમાયેલી વન-ડે ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચ ક્રિકેટ પ્રેમીઓ ક્યારેય નહીં ભૂલે. ઇંગ્લેન્ડે આપેલા 242 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે જીતની કોઈ જ આશા નહોતી બચી. 33.5 ઓવરમાં માત્ર 154 રનમાં જ પાકિસ્તાને પોતાની 9 વિકેટો ગુમાવી દીધી હતી. સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ અને ટીમના ડગઆઉટમાં નિરાશા છવાઈ ગઈ હતી કારણ કે હાર હવે આંખ સામે દેખાઈ રહી હતી. પરંતુ, ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કેમ કહેવામાં આવે છે તે આ મેચે સાબિત કરી દીધું.
છેલ્લી વિકેટ માટે મેદાન પર આવેલા શાદાબ ખાન અને હારિસ રઉફે ઇંગ્લિશ બોલર્સના પરસેવા છૂટડાવી દીધા. બંનેએ હાર માનવાને બદલે શાનદાર સંઘર્ષ કર્યો અને માત્ર 80 બોલમાં જ 89 રનની અણનમ ભાગીદારી નોંધાવી દીધી. આ ચમત્કારિક partnership ના જોરે પાકિસ્તાને 47.1 ઓવરમાં જ 243 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. આ જીતની સાથે જ યજમાન પાકિસ્તાને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શાદાબ ખાને 96 બોલમાં તોફાની 113 રનની ઇનિંગ રમી જેમાં 13 ચોગ્ગા અને 5 શાનદાર છગ્ગા સામેલ હતા, જ્યારે હારિસ રઉફે 19 બોલમાં 1 ચોગ્ગાની મદદથી અણનમ 7 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું.
આ અવિશ્વસનીય જીત અને શાદાબ-હારિસની જોડીએ ક્રિકેટ જગતમાં અનેક મોટા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સફળ રન-ચેઝ કરતી વખતે 10મી વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે. આ પહેલાં આ રેકોર્ડ 1975ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના ડેરીક મરે અને એન્ડી રોબર્ટ્સના નામે હતો જેમણે પાકિસ્તાન સામે 64 રનની અણનમ ભાગીદારી કરી હતી, જે હવે ઇતિહાસ બની ગયો છે. આ ઉપરાંત, આઠમા ક્રમે બેટિંગ કરવા આવેલા શાદાબે અણનમ 113 રન ફટકારીને વન-ડે ક્રિકેટમાં 8મા કે તેનાથી નીચેના ક્રમે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાનના કુલ 243 રનના સ્કોરમાં એકલા શાદાબનું યોગદાન આશરે 46.5% જેટલું મોટું રહ્યું હતું. આ અદ્ભુત મેચ અને રેકોર્ડબ્રેક પ્રદર્શનને કારણે હવે સોશિયલ મીડિયા પર પણ આ જ ચર્ચા છે કે કેવી રીતે હારી ગયેલી મેચને પાકિસ્તાને આખરી ઓવરોમાં પલટીને યાદગાર બનાવી દીધી.
