JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરેન્દ્રનગર પંથકમાં ફરી ધમધમ્યો કાર્બોસેલનો કાળો કારોબાર, જમીનનું પેટાળ ખાલી કરી રહ્યા છે ખનિજ માફિયાઓ

Oct 26, 2026 | 13:55 | By JAMNAGAR MIRROR
સુરેન્દ્રનગર પંથકમાં ફરી ધમધમ્યો કાર્બોસેલનો કાળો કારોબાર, જમીનનું પેટાળ ખાલી કરી રહ્યા છે ખનિજ માફિયાઓ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં જમીનના પેટાળમાંથી ગેરકાયદે કાર્બોસેલ કાઢીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. એક તરફ કોલસાની અછતની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કુદરતી ખનિજ સંપદાની થઈ રહેલી ખુલ્લેઆમ લૂંટથી વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે.

એક તરફ રાજ્યમાં કોલસાની અછતને કારણે વીજકાપ જેવી સ્થિતિ સર્જાવાની વાતો વહેતી થઈ છે, તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂળી પંથકમાં જમીનનું પેટાળ ચીરીને ગેરકાયદે કાર્બોસેલ કાઢવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, આ કાળો કારોબાર માત્ર આટલેથી જ અટકતો નથી, પરંતુ અહીંથી નીકળતો કાર્બોસેલનો જથ્થો ગુજરાતની સરહદો ઓળંગીને છેક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ધમાકેદાર રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ખનિજની હેરાફેરી થતી હોવા છતાં સ્થાનિક તંત્ર અને ખનિજ વિભાગ ઘસસૂર ઊંઘતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, થાનગઢ પંથકમાં અગાઉ જ્યારે ડેપ્યુટી કલેક્ટર તરીકે હરેશ મકવાણા ફરજ બજાવતા હતા, ત્યારે આ ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ હતો. પરંતુ તેમની બદલી થતા જ આ ગેરકાયદે પ્રવૃત્તિઓએ ફરીથી માથું ઊંચક્યું છે અને મોડી રાત્રે ખનન તથા હેરફેરનો સિલસિલો બેરોકટોક શરૂ થઈ ગયો છે. ચોટીલા સબ ડિવીઝનનાં નવા આવેલા પ્રાંત અધિકારી અને રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા એસપી પ્રેમસુખ ડેલુ જેવા અધિકારીઓ કડકાઈ દાખવી રહ્યા હોવા છતાં, અંદરખાને કેટલાક સિન્ડિકેટ માઇન્ડેડ લોકોની ગોઠવાયેલી ચેનલ દ્વારા ડબલ ગેઈમ રમાઈ રહી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આવા જ ભ્રષ્ટ વહિવટને કારણે માફિયાઓ કુદરતી સંપદાને બેફામ ઉસેડી રહ્યા છે.

આ માત્ર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો મામલો નથી, પરંતુ પર્યાવરણ અને જમીનની સુરક્ષા માટે પણ મોટો ખતરો બની ગયો છે. ગેરકાયદે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને ચાલતા આ ખનનના કારણે ધરતીનું પેટાળ ખાલી થઈ રહ્યું છે. જો આંતરરાજ્ય સપ્લાયની આ સાંકળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો જથ્થો ક્યાંથી નીકળે છે, કોના વાહનોમાં જાય છે અને અંતે કયા વેપારીઓ કે રાજ્યોમાં ઠલવાય છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

હવે સમય આવી ગયો છે કે ખાણ ખનિજ વિભાગ અને ઉચ્ચ સ્તરેથી આ મામલે સઘન તપાસના આદેશ છૂટે. માત્ર દરોડા પાડવા પૂરતું સીમિત ન રહેતા, જે તે વિસ્તારમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત છે કે નહીં તેની પણ ખાનગી તપાસ થવી જોઈએ. જો આ કાળા કારોબારને જલદીથી નહીં ડામવામાં આવે, તો આવનારા દિવસોમાં આ માફિયાઓ કુદરતી ખનિજ સંપદાનો સફાયો કરી નાખવામાં કોઈ કસર નહીં છોડે.

LATEST ARTICLES