ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ રીતસરની રૂઠ મનાવી હોય તેમ મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે જે જિલ્લામાં 1319 એમ.એમ. જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યાં આ વર્ષે માંડ 650 એમ.એમ. એટલે કે માત્ર 50 ટકા જ વરસાદ નોંધાઈ શક્યો છે. ચોમાસાની શરૂઆતમાં આશરે 26 ઇંચ વરસાદ પડ્યા બાદ લાંબો વિરામ આવી ગયો અને વચ્ચે માત્ર 4 થી 5 ઇંચ જ વરસાદ વરસ્યો. આ કુદરતી વિલંબના કારણે ખેડૂતોના ખેતરોમાં અને કુવાઓમાં પાણીનું તળ ઊંડું જતું રહ્યું છે, જેના કારણે અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો થયો છે.
સ્થિતિ એવી છે કે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં 200 થી 250 ફૂટ ઊંડા કૂવાઓમાંથી પણ માંડ એક કલાક ચાલે એટલું જ પાણી બહાર આવી રહ્યું છે. મગફળી જેવા મુખ્ય પાકને માંડ 4 થી 5 પિયત આપ્યા બાદ હવે પાણી ખૂટી પડવાની અણી પર છે. ખેડૂતોનું કહેવું છે કે જો આવી જ હાલત રહી તો શિયાળુ પાકનું વાવેતર કરવું અને તેને પૂરતું પાણી આપવું અત્યંત મુશ્કેલ બની જશે, અને ઉનાળુ વાવેતર માટે તો અત્યારથી જ જળસંકટના ઘેરા એંધાણ વર્તાઈ રહ્યા છે. ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આસપાસના ડેમોમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી પાક બચી શકે.
જિલ્લાના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અભિષેક રવૈયાના જણાવ્યા અનુસાર, હાલ હિરણ-1 ડેમમાં 29.94 ટકા, હિરણ-2 માં 27.74 ટકા અને સિંગોડા ડેમમાં 40.80 ટકા જેટલો જળજથ્થો બચ્યો છે. જ્યારે ઉના તાલુકાના રાવલ ડેમમાં 94 ટકા અને મચ્છુન્દ્રી ડેમમાં 50 ટકા પાણી ઉપલબ્ધ છે. વિભાગના અંદાજ મુજબ હિરણ-1 અને સિંગોડા જેવા જળાશયોમાં પાણી માર્ચ સુધી ચાલી શકે તેમ છે, પરંતુ હિરણ-2 ડેમમાં તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જ પાણીનો જથ્થો તળિયા ઝાટક થઈ જવાની પૂરી શક્યતા છે.
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા અત્યારથી જ આગોતરા આયોજન શરૂ કરી દેવાયા છે. પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાત પૂરી પાડવા માટે સૌની યોજના મારફતે પાણી મેળવવાની ખાસ દરખાસ્ત મોકલવામાં આવી છે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ વિસાવદર તરફથી આવતી લાઇન દ્વારા હિરણ-1 થઈને હિરણ-2 ડેમમાં પાણી પહોંચાડવાના પુરષાર્થો હાથ ધરવામાં આવ્યા છે, જેથી સમયસર લોકોને અને ખેડૂતોને રાહત મળી શકે.
