JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

હોરમુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માર્ગ બન્યો સૌથી ખતરનાક, ઓક્ટોબરમાં નોંધાયા શિપ પર હુમલાના તમામ રેકોર્ડ તૂટ્યા

Oct 26, 2026 | 13:50 | By JAMNAGAR MIRROR
હોરમુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માર્ગ બન્યો સૌથી ખતરનાક, ઓક્ટોબરમાં નોંધાયા શિપ પર હુમલાના તમામ રેકોર્ડ તૂટ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર હવે દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ઓક્ટોબર 2026ના મહિનામાં હોરમુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર હુમલાની ઘટનાઓએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માત્ર એક જ મહિનામાં 28 જેટલા હુમલા થવાથી વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હોરમુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ દુનિયાભરના વેપાર માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આ રસ્તો દરિયાઈ મુસાફરો અને કોમર્શિયલ શિપિંગ કંપનીઓ માટે કોઈ જંગના મેદાનથી કમ નથી લાગતો. અમેરિકા અને ઈરાન વચ્ચેના ગંભીર સંઘર્ષની આગ હવે સમુદ્ર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ઓક્ટોબર મહિનો કમર્શિયલ શિપિંગ માટે અત્યાર સુધીનો સૌથી ખતરનાક મહિનો સાબિત થયો છે. આ એક જ મહિનામાં જહાજો પર કુલ 28 જેટલા ભયાનક હુમલા થયા છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.

આ મામલે ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, જ્યારે આ સંઘર્ષ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ 120 જેટલી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. આ લગાતાર વધી રહેલા હુમલાઓને કારણે માલસામાન વહન કરતી શિપિંગ કંપનીઓની ચિંતા ખૂબ જ વધી ગઈ છે. ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને લઈને પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ગમે ત્યારે ગમે તે જહાજ નિશાન બની શકે છે.

આ સ્થિતિ માત્ર જહાજો કે તેમાં કામ કરતા લોકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય પર પણ પડી શકે છે. જો હોરમુઝ સ્ટ્રેટનો આ મહત્વપૂર્ણ રસ્તો આ જ રીતે અસુરક્ષિત રહેશે, તો દુનિયાભરમાં મોંઘવારી વધી શકે છે અને ઓઈલ માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. હાલ તો એક્સપર્ટ્સ અને સંબંધિત સત્તાવાળાઓ આ જોખમી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે જેથી દરિયાઈ વેપારને સુરક્ષિત કરી શકાય.

LATEST ARTICLES