ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવા માટે હવે સ્વદેશી ટેકનોલોજી અને જુના સોવિયેત યુગના બ્લૂપ્રિન્ટ્સનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે. દેશના રક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે જબલપુરની વ્હીકલ ફેક્ટરી અને હેવી વ્હીખલ્સ ફેક્ટરી સાથે મળીને કામ કરી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેનાના અત્યાધુનિક ગણાતા T-72 અને T-90 ટાંક્સને રીબિલ્ડ અને ઓવરહોલ કરવાનો છે, જેથી વર્ષો જૂના આ વોર મશીન્સ ફરીથી દુશ્મનો સામે લોખંડી દીવાલ બનીને ઊભા રહી શકે.
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે ટાંક્સના ઓવરહોલિંગ પ્રોસેસમાં વપરાતા ફિક્સ્ચર્સ માટે સ્વદેશી ડિઝાઇન તૈયાર કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આનાથી વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટશે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ વેગ મળશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 462 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. સરકાર અને સંરક્ષણ વિભાગ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ગંભીર છે અને કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
યોજના મુજબ આ પ્લાન્ટ સંપૂર્ણ ધમધમતો થયા પછી એપ્રિલ 2028થી દર વર્ષે આશરે 80 ટાંક્સનું ઓવરહોલિંગ કરવામાં આવશે. આટલા મોટા પાયે કામગીરી સંભાળવા માટે મેનપાવર પણ મજબૂત હોવો જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 650 કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી તેઓ સોવિયેત બ્લૂપ્રિન્ટ્સ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ટાંક્સ રિપેરિંગનું કામ ચોકસાઈપૂર્વક પાર પાડી શકે.
