પુણેમાં નોકરી કે ધંધા અર્થે અવરજવર કરતા લોકો માટે બાઈક ટેક્સી હવે રોજિંદી જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે. સસ્તા ભાડામાં અને ટ્રાફિકમાંથી ઝડપથી નીકળી જવા માટે લોકો રેપિડો જેવી બાઈક ટેક્સીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. પણ હવે પુણેના મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ પુણેમાં રેપિડો બાઈક ટેક્સીની સર્વિસ કાયમ માટે બંધ થઈ જાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. આ મામલે ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પુણે પોલીસે ગૂગલ અને એપલ જેવી મોટી ટેક કંપનીઓને સત્તાવાર પત્ર લખીને તેમના એપ સ્ટોર પરથી રેપિડોની એપ હટાવી લેવાની માંગ કરી છે. પોલીસનું માનવું છે કે આ પ્રકારની બાઈક ટેક્સીઓ સુરક્ષાના નિયમોનું પાલન કરતી નથી અને તેના કારણે રોડ સેફ્ટી પર પણ સવાલિયા નિશાન ઊભા થાય છે. અગાઉ પણ ગેરકાયદેસર રીતે દોડતી આ બાઈક ટેક્સીઓ સામે ઓટો અને કેબ યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, કારણ કે તેનાથી તેમના ધંધા પર સીધી અસર પડી રહી હતી.
જો ગૂગલ અને એપલ દ્વારા પોલીસની આ અપીલ સ્વીકારીને એપ હટાવી લેવામાં આવશે, તો પુણેના નવા યૂઝર્સ આ સર્વિસ ડાઉનલોડ નહીં કરી શકે અને હાલના ડ્રાઈવરોની રોજીરોટી પણ જોખમમાં મુકાઈ જશે. ટ્રાફિક અને સુરક્ષાના કારણો આગળ ધ ધરીને તંત્ર દ્વારા લેવાયેલું આ કડક પગલું આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટો વિવાદ જગાવી શકે છે. રોજ સવારે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર રહેતા સામાન્ય નાગરિકો માટે આ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે કે હવે તેઓ સસ્તામાં મુસાફરી કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશે.
