મોરબી અને આસપાસના વિસ્તારોમાં ખેતરોની વચ્ચેથી પસાર થતી વીજ લાઈનો અને ઊભા કરવામાં આવેલા વીજપોલ સામે ખેડૂતોનો રોષ દિવસે-દિવસે વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પોતાની જમીનના હક્ક માટે લડી રહેલા ખેડૂતો છેલ્લા 5 મહિનાથી જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી બનાવીને અડગ બેઠા છે. આ લડાઈ હવે માત્ર મોરબી પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેની ગુંજ દૂર કચ્છ સુધી સંભળાઈ છે. તાજેતરમાં જ કચ્છના રાપર તાલુકાના પ્રાગપર ગામે અસરગ્રસ્ત ખેડૂતોનું એક વિશેષ જાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને આંદોલનને પોતાનો અવાજ જોડ્યો હતો.
આ સંમેલનમાં ખેડૂત અગ્રણીઓએ ખુલ્લીને વાત કરી હતી કે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં મનસ્વી રીતે વીજપોલ તો ઊભા કરી દેવાયા છે, પરંતુ તેનો ભોગ બનનાર ખેડૂતોને કોઈ યોગ્ય કે ન્યાયી વળતર ચૂકવવામાં આવ્યું નથી. આટલા લાંબા સમયથી ધરણાં અને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતા ખેડૂતોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પ્રાગપરની સભામાં એકસૂરે નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રત્યેક ખેડૂતને તેના હકનું પૂરેપૂરું વળતર હાથમાં નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન કોઈ પણ સંજોગોમાં સમેટાશે નહીં.
ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં કેટલાક ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમનું કહેવું છે કે છેલ્લા 5 મહિનાથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને તોડી નાખવા માટે કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોની એકતામાં ગાબડા પાડવા માટે તેમને કોરા ચેક આપવા સુધીની નાણાકીય લાલચો આપવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા છે. એટલું જ નહીં, આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નિર્દોષ ખેડૂતોને ડરાવવા અને ધાકધમકી આપવા માટે ખોટા પોલીસ કેસો કરવાનો પણ સહારો લેવાયો હોવાની વિગતો સામે આવી છે.
આવા દબાણો સામે ઝૂકવાને બદલે કચ્છના ખેડૂતોએ વધુ મક્કમતા દાખવી છે. પ્રાગપર સંમેલનમાં ઉપસ્થિત વિવિધ ગામોના ખેડૂતો અને સંગઠનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે પોલીસ કેસ કે નાણાકીય લાલચોથી તેઓ ડરવાના નથી. આ લડાઈ માત્ર વળતરની નથી, પરંતુ ખેડૂતોના અસ્મિતા અને અધિકારની છે. હવે આ આંદોલન વધુ વ્યાપક બનશે અને જેતપરની લડતને કચ્છના ખેડૂતો તરફથી પણ ભરપૂર તાકાત મળશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
