દિલ્હીના પાવર કોરિડોરમાં ગણના થતી તેવી નોર્થ બ્લોક બિલ્ડિંગમાં અચાનક શ્વાસ રુંધાઈ જાય તેવા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા સત્તાધીશો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દેશના અતિમહત્વપૂર્ણ મંત્રાલયો અને સરકારી વહીવટ સાથે જોડાયેલી આ ઈમારતમાં અચાનક બનેલી આ ઘટનાથી થોડીવાર માટે સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ધુમાડો કયા કારણસર અને કઈ જગ્યાએથી નીકળી રહ્યો છે તે જાણવા માટે તાત્કાલિક સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને તુરંત મેસેજ કરવામાં આવ્યો હતો અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ધડાધડ સ્પોટ પર દોડી આવી હતી. ફાયરમેનોએ સમય બગાડ્યા વગર તાત્કાલિક રેસ્ક્યુ અને કુલિંગ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પ્રારંભિક માહિતી મુજબ બિલ્ડિંગના કોઈ ભાગમાં શોર્ટ સર્કિટ કે તેવા જ કોઈ નાની મોટી ટેક્નિકલ ખામીના કારણે ધુમાડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જો કે સત્તાવાર કારણ હજુ તપાસ બાદ જ બહાર આવશે.
સદનસીબે આ અચાનક બનેલી ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે કોઈ વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગના જવાનો સ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ઓફિસના સમય દરમિયાન બનેલી આ ઘટનાથી થોડા સમય માટે સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી પરિસ્થિતિને ઝડપથી કંટ્રોલમાં લાવી દેવામાં આવી છે.
