JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

બિલમાં વગર પૂછ્યે 10 ટકા સર્વિસ ચાર્જ જોડવો હોટેલને પડ્યો ભારે, CCPAએ ફટકારી 1 લાખની પેનલ્ટી

Oct 26, 2026 | 11:35 | By JAMNAGAR MIRROR
બિલમાં વગર પૂછ્યે 10 ટકા સર્વિસ ચાર્જ જોડવો હોટેલને પડ્યો ભારે, CCPAએ ફટકારી 1 લાખની પેનલ્ટી
દિલ્હીની પ્રખ્યાત શાંગરી-લા ઇરોસ હોટેલે ખાણી-પીણીના બિલમાં ગ્રાહકોની મંજૂરી વગર 10 ટકા સર્વિસ ચાર્જ ઓટોમેટિક જોડી દેવાની મનમાની કરી હતી. આ મામલે ગ્રાહક સુરક્ષા ઓથોરિટી (CCPA)એ કડક કાર્યવાહી કરતા હોટેલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને સર્વિસ ચાર્જ હટાવવા માટે કહેવાની ફરજ પાડી શકાય નહીં.

જ્યારે પણ આપણે કોઈ મોટી હોટેલ કે રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે બિલ ચૂકવતી વખતે છેલ્લે કંઈક એવા ચાર્જ જોડવામાં આવે છે જે જોઈને આપણું માથું ભમી જાય છે. દિલ્હીની પ્રખ્યાત શાંગરી-લા ઇરોસ હોટેલ પણ કદાચ એવું જ ભૂલી ગઈ હતી કે ગ્રાહકો સાથે આ પ્રકારની લૂંટ હવે નહીં ચાલે. આ હોટેલે એક ગ્રાહકના ખાણી-પીણીના કુલ 4350 રૂપિયાના બિલ પર કોઈ પણ પૂછપરછ વગર સીધા 10 ટકા એટલે કે 435 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઓટોમેટિક જોડી દીધો હતો. ગ્રાહકે આ બાબતે ચૂપ બેસવાને બદલે સીધા કાયદાકીય દરવાજા ખટખટાવ્યા અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)માં ફરિયાદ નોંધાવી.

આ મામલો જ્યારે CCPA સમક્ષ પહોંચ્યો ત્યારે હોટેલ સત્તાવાળાઓએ પોતાનો બચાવ કરતા એવો દાવો કર્યો હતો કે મેનૂ કાર્ડમાં આ નિયમ લખેલો જ હોય છે અને ગ્રાહકો ઈચ્છે તો તેને હટાવવા માટે કહી શકે છે. પરંતુ રેગ્યુલેટરે હોટેલના આ વાહિયાત તર્કને સદંતર ફગાવી દીધો હતો. કન્ઝ્યુમર પ્રોટેક્શન ગાઇડલાઇન્સ અને દિલ્હી હાઈકોર્ટના કડક આદેશોનો હવાલો આપતા CCPAએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ ગ્રાહકને બિલમાંથી સર્વિસ ચાર્જ કઢાવવા માટે કાલાવેલા કરવાની કે વિનંતી કરવાની ફરજ પાડી શકાય નહીં. ગ્રાહકની મરજી વગર બિલમાં ટીપ કે સર્વિસ ચાર્જ જોડી દેવો એ ગ્રાહકોના અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.

આ કડક કાર્યવાહીના ભાગરૂપે CCPAએ શાંગરી-લા ઇરોસ હોટેલ પર 1 લાખ રૂપિયાનો ભારેખમ દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, કાયદાની ડાંગ વીંઝાતા જ હોટેલ મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે ફરિયાદી ગ્રાહકને તેના પૈસા પરત કરી દીધા હતા અને 1 ઓક્ટોબર 2026થી આ પ્રકારે ઓટોમેટિક સર્વિસ ચાર્જ વસૂલવાની પદ્ધતિ પણ બંધ કરી દીધી છે. દેશભરના રેસ્ટોરાં અને હોટેલ સંચાલકો માટે આ કિસ્સો એક મોટો દાખલો બની ગયો છે કે હવે ગ્રાહકોના ખિસ્સા પર ગેરકાયદેસર તરાપ મારવી ભારે પડી શકે છે.

LATEST ARTICLES