સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા અને મનોરંજનની દુનિયામાં ધૂમ મચાવતા સમય રૈનાના સુપરહિટ શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટનો એક નવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ શોમાં આ વખતે કંઈક એવું જોવા મળ્યું જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા અને ઓડી જી ના નામથી પ્રખ્યાત રાહિલ નામના કલાકારે આ સ્ટેજ પર એન્ટ્રી મારી અને પોતાના અંદાજથી બધાને હસાવવા મજબૂર કરી દીધા. તેમનું આ પર્ફોર્મન્સ માત્ર કોમેડી પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમાં દેશની વર્તમાન પરિસ્થિતિ પર પણ એક હળવાશભરો કટાક્ષ જોવા મળ્યો હતો.
પર્ફોર્મન્સ પૂરું થયા પછી માહોલ ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે કમેડિયન કુણાલ કામરા સાથેનો એક વીડિયો કોલ કનેક્ટ કરવામાં આવ્યો. રાહિલે આ વીડિયો કોલ દરમિયાન કુણાલની મજા લેતા મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, યે ક્યા વ્હોટ્સએપ કા ચુટકલા ઉઠા લિયા થા? તેમની આ કોમિક ટાઈમિંગ અને અંદાજે હોલમાં બેઠેલા દર્શકો તેમજ જજિસને ખડખડાટ હસાવ્યા હતા. આટલું જ નહીં, પોતાના એક્ટ દરમિયાન રાહિલે ભારતીય રૂપિયાની ઘટતી કિંમત અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર પણ ખૂબ જ ચતુરાઈથી કટાક્ષ કર્યો હતો, જેને લોકોએ ખૂબ જ વખાણ્યો.
આ આખા એપિસોડનો સૌથી રોમાંચક ભાગ એ રહ્યો કે રાહિલે પર્ફોર્મન્સ પહેલાં જ પોતાના સ્કોરની જે આગાહી કરી હતી, બિલકુલ તેવું જ પરિણામ આવ્યું. તેણે પોતાના પ્રીડિક્ટેડ સ્કોરમાં પૂરા ૧૦ પોઈન્ટ મેળવ્યા અને આ શાનદાર જીત સાથે આખો એપિસોડ પોતાના નામે કરી લીધો. સોશિયલ મીડિયા પર અત્યારે આ એપિસોડની ક્લિપ્સ અને રાહિલની કોમેડીના વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે અને વાચકો આ અનોખા અંદાજને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.
