જ્યારે પણ દુનિયામાં ઓઈલ માર્કેટની વાત આવે, ત્યારે સાઉદી અરેબિયાનું નામ સૌથી પહેલા આવે. હવે દુનિયાના આ સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટર દેશોમાંથી એક એવા સાઉદીએ એશિયાના બજાર પર પક્કડ મજબૂત કરવા માટે એક શાનદાર પ્લાન બનાવ્યો છે. વર્ષ 2027ના બીજા હાફથી સાઉદી અરેબિયા સિંગાપોરમાં પોતાનું ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાનું શરૂ કરશે. આજની ભાગદોડ ભરેલી દુનિયામાં જ્યારે ક્યારેય પણ સપ્લાય ચેઈનમાં પ્રોબ્લેમ આવે કે કોઈ કટોકટી સર્જાય, ત્યારે એશિયન દેશોને ઓઈલની અછત ન પડે તે માટે આ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે.
આ પ્લાન હેઠળ સિંગાપોરના પ્રખ્યાત જুরોંગ રોક કેવર્ન્સમાં સાઉદી ક્રૂડ ઓઈલનો જથ્થો રાખવામાં આવશે. આ એક અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ફેસિલિટી છે. આ સમજૂતીના કારણે સાઉદી અરામકો માટે એશિયાના મહત્ત્વના બજારોની એકદમ નજીક ઓઈલ ઉપલબ્ધ કરાવવું બહુ આસાન બની જશે. સામાન્ય રીતે જ્યારે સમુદ્રમાં કે બીજા કારણોસર ઓઈલ સપ્લાયમાં અડચણ ઊભી થાય છે, ત્યારે ભાવમાં ભડકો થાય છે અને ફેક્ટરીઓથી લઈને વાહનો સુધી અસર પડે છે. પરંતુ હવે સિંગાપોરમાં સ્ટોક હોવાથી એશિયન દેશોને રાહત રહેશે.
આ બિઝનેસ મૂવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એનર્જી સિક્યોરિટી એટલે કે ઊર્જા સુરક્ષા વધારવાનો છે. આજના સમયમાં ગ્લોબલ ટ્રેડમાં ગમે ત્યારે ઉતાર-ચઢાવ આવતા રહે છે, ત્યારે સાઉદી અરેબિયા આ સ્ટેપ દ્વારા પોતાના ગ્રાહકોને ભરોસો આપવા માંગે છે કે તેમને સમયસર ઓઈલ મળતું રહેશે. વર્ષ 2027 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થતાંની સાથે જ એશિયન માર્કેટમાં સાઉદીની પક્કડ વધુ મજબૂત બનશે અને તે સિંગાપોરને પોતાનું મેઈન હબ બનાવીને આખો કારોબાર સંભાળશે.
