નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે તંત્ર હવે એકશન મોડમાં આવી ગયું છે. જો તમારી પાસે પણ BS6 સ્ટાન્ડર્ડ વગરનું ગાડી કે વાહન છે અને તમે દિલ્હી આવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. આગામી 1 નવેમ્બરથી નોશનલ કેપિટલ રીજન એટલે કે NCRમાંથી દિલ્હીની હદમાં પ્રવેશતા વાહનો માટે નિયમો અત્યંત કડક કરવામાં આવી રહ્યા છે. આ નવા નિયમની સીધી અસર ગુડગાંવ, ફરીદાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદના લાખો વાહનમાલિકો પર પડશે.
મળતી માહિતી મુજબ, ગુડગાંવ અને ફરીદાબાદ જેવા શહેરોમાં જ અંદાજે 2 લાખ જેટલા એવા વાહનો છે જે BS6 નોર્મ્સમાં નથી આવતા, જેમાં મોટે ભાગે BS3 અને BS4 કેટેગરીની ગાડીઓ સામેલ છે. એટલું જ નહીં, આ બંને વિસ્તારોમાં દોડતા અંદાજે 50,000 જેટલા કોમર્શિયલ વાહનો પણ નવા પ્રદૂષણ ધોરણો પર ખરા નથી ઉતરતા. આ તમામ વાહનોને હવે દિલ્હીમાં એન્ટ્રી આપવામાં મુશ્કેલી પડશે, કારણ કે સરકાર શહેરમાં વધી રહેલા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણ રાક્ષસનું રૂપ ધારણ કરી લેતું હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે વાહનોમાંથી નીકળતો ધુમાડો મુખ્ય કારણ માનવામાં આવે છે. તેથી જ તંત્ર દ્વારા આ અત્યંત સખત પગલું ભરવામાં આવી રહ્યું છે. જો તમારી ગાડી પણ જૂના સ્ટાન્ડર્ડવાળી છે, તો હવે દિલ્હી જતી વખતે ટ્રાફિકના આ નવા નિયમો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો પોલીસે પકડ્યું તો ભારે દંડ કે એન્ટ્રી નહીં મળવાની મોટી ઝંઝટમાં મુકાઈ જશો.
