શરદ પૂર્ણિમાની ચાંદની રાત અને એમાંય પાછા પરંપરાગત ગરબાની રમઝટ, આ દ્રશ્ય જોઈને કોનું મન ના હરખાય! નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામે કંઈક આવા જ અદભુત માહોલમાં શરદ પૂર્ણિમાની પૂર્વસંધ્યા ઉજવાઈ હતી. અંચેલી યુવક મંડળ દ્વારા ગામમાં અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ આધુનિક નહીં પરંતુ ટ્રેડિશનલ અને પ્રાચીન વેશભૂષા ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નાની ઉંમરના ભૂલકાઓથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો ઉત્સાહભેર આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રાચીન પાત્રોની વેશભૂષા પહેરીને આવેલા ખેલૈયાઓએ જ્યારે તાલબદ્ધ ગરબા શરૂ કર્યા, ત્યારે આખો માહોલ ભક્તિમય અને સાંસ્કૃતિક રંગે રંગાઈ ગયો હતો. આ પ્રકારના આયોજનોથી આજની નવી પેઢીને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને લોકપરંપરાઓથી રૂબરૂ થવાની ઉત્તમ તક મળી રહે છે. ગામલોકોએ પણ આ ગરબાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની શોભા વધારવા માટે અનેક ખ્યાતનામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલી નાયકે પણ પોતાના સંબોધનમાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને સમાજમાં એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગણદેવી ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, નટુ પટેલ, રાજુ પટેલ, મિરવ નાયક, નિલેશ નાયક, સરપંચ પ્રતીક્ષા પટેલ તથા પ્રતીક પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.
