JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં અસારવા ઓવરબ્રિજ પાસે ચાલ્યું બુલડોઝર, હટાવ્યા ગેરકાયદેસર દબાણો

Oct 26, 2026 | 00:00 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં અસારવા ઓવરબ્રિજ પાસે ચાલ્યું બુલડોઝર, હટાવ્યા ગેરકાયદેસર દબાણો
અમદાવાદના અસારવા રેલવે ઓવરબ્રિજ પાસે AMC દ્વારા શુક્રવારે મોટી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. બ્રિજના રીડેવલપમેન્ટની કામગીરીમાં નડતરરૂપ બનતા આશરે 10 જેટલા કાચા-પક્કા અને કાયમી દબાણો હટાવીને તંત્રએ આશરે 200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને વિકાસના કામોને વેગ આપવા માટે તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. વાત જાણે એમ છે કે, શહેરના અસારવા રેલવે ઓવરબ્રિજ પાસે વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે AMCનું બુલડોઝર ફરી વળ્યું છે. શુક્રવારે હાથ ધરેલી આ ખાસ ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન બ્રિજના પિયર્સ અને પાઈલ કેપ્સની આસપાસ ઊભા થયેલા અનધિકૃત બાંધકામોને કાયદેસરની કાર્યવાહી કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે 200 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ રોડ પર આવેલા આ દબાણોમાં મુખ્યત્વે ઓટલા, ઝૂંપડા અને દુકાનોના ગેરકાયદેસર વધારાના ભાગો સામેલ હતા, જે બ્રિજના રેમ્પ ઉતરે છે તે જ સંવેદનશીલ વિસ્તારમાં નડતરરૂપ બનતા હતા. આસપાસના રહીશો અને વાહનચાલકો પણ લાંબા સમયથી આ દબાણોથી પરેશાન હતા, જેને ધ્યાનમાં રાખીને તંત્રએ આ પગલું ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે, દાયકાઓ જૂના આ અસારવા બ્રિજની જર્જરિત હાલતના કારણે AMC દ્વારા એક વર્ષ અગાઉ જ તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ આ મહત્વના રૂટ પર નવા બ્રિજના રીડેવલપમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે આ ડિમોલિશન ડ્રાઈવથી બ્રિજ બનાવવાની કામગીરી હવે વધુ ઝડપથી આગળ વધી શકશે અને ટૂંક સમયમાં જ નાગરિકોને અવરજવર માટે એક નવો અને સુરક્ષિત રસ્તો મળી રહેશે તેવી આશા બંધાઈ છે.

LATEST ARTICLES