JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને રાજકારણમાં મચાવ્યો હોબાળો, પીએમ મોદીના પિતા પર આપેલા નિવેદનથી ભાજપ લાલઘૂમ

Oct 25, 2026 | 22:35 | By JAMNAGAR MIRROR
મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને રાજકારણમાં મચાવ્યો હોબાળો, પીએમ મોદીના પિતા પર આપેલા નિવેદનથી ભાજપ લાલઘૂમ
પટનામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પીએમ નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદનબાજી સામે આવી છે. અધૂરું વાક્ય સાંભળીને ખડગેએ ગુસ્સામાં આવીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે હવે ભાજપ આક્રમક મૂડમાં છે અને દેશભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.

પટનામાં રવિવારે બિહારના પહેલા ચીફ મિનિસ્ટર શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન હોલની ભીડમાંથી એક શખ્સ સંતોષ કુમારે ચાર શબ્દો કહ્યા કે મોદી કહીં નહીં જાયેગા. આ સાંભળતા જ ખડગે ગુસ્સે થઈ ગયા અને તેમણે સામે આક્રમક અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે મોદી કા બાપ ભી જાયેગા. ખડગેએ આ વાત ત્રણ વખત પુનરાવર્તિત કરી અને હાથ ઊંચો કરીને જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે, આ મામલો એટલો વધી ગયો કે રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો.

વાસ્તવિકતા એ હતી કે સંતોષ કુમાર જે બોલી રહ્યા હતા તે વાત અધૂરી રહી ગઈ હતી અને અડધું વાક્ય જ લોકો સુધી પહોંચ્યું. સંતોષ કુમારે બાદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ એવું કહી રહ્યા હતા કે જ્યાં સુધી જનતા બળવો નહીં કરે ત્યાં સુધી મોદી કહીં નહીં જાય. પરંતુ તેમની આ વાત હોલના શોરમાં દબાઈ ગઈ અને કોઈ તેનો અર્થ સમજી શક્યું નહીં. જેવા ખડગેએ આ વિવાદાસ્પદ શબ્દો કહ્યા, તુરંત જ હોલમાં હાજર અન્ય લોકોએ સંતોષ કુમારને ઘેરી લીધા અને તેમને ધક્કો મારીને હોલની બહાર કાઢી મૂક્યા, એટલું જ નહીં તેમને મારપીટ પણ કરવામાં આવી. બહાર નીકળીને સંતોષ કુમારે ફરી પીએમ મોદી વિરુદ્ધ નારા લગાવ્યા અને કહ્યું કે પીએમ મોદીએ દેશ માટે કંઈ નથી કર્યું.

આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓએ કોંગ્રેસ અધ્યક્ષ પાસે જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. ભાજપ દ્વારા આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. એક અડધા વાક્ય અને ગેરસમજને કારણે શરૂ થયેલો આ વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પક્ષો આ મુદ્દે आमने-सामने આવી ગયા છે.

LATEST ARTICLES