ક્રિકેટ રસિયાઓ માટે હંમેશા ચર્ચામાં રહેતી આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સને લઈને ફરી એકવાર મોટો ગરમાવો આવ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ સ્ટેડિયમની બહાર અત્યારે માત્ર એક જ વાતની ચર્ચા છે કે શું ‘હિટમેન’ રોહિત શર્મા ફરીથી મુંબઈની કમાન સંભાળશે? થોડા સમય પહેલા જ આ ટીમે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ હવે અંદરખાને ચાલી રહેલી વાતો અને દિગ્ગજોના નિવેદનોએ આખી બાજી પલટી નાખી છે.
ભારતના પૂર્વ અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિને એક મોટો દાવો કરતા કહ્યું છે કે આગામી IPL 2027 માટે રોહિત શર્મા મુંબઈના કેપ્ટન બનવા જોઈએ. અશ્વિનનું માનવું છે કે હાર્દિક પંડ્યા હવે આ ફ્રેન્ચાઇઝીની સાથે નહીં રહે અને આગામી સિઝનમાં તેઓ કોઈ અન્ય ટીમ તરફથી રમતા નજરે પડી શકે છે. હાર્દિકના ટીમ છોડવાની પૂરી શક્યતા છે અને જો આમ થાય તો મુંબઈ ટીમ માટે નવો કેપ્ટન શોધવો મોટો પડકાર બની જશે.
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ પણ હાલમાં ઇન્ડિયન ટીમથી બહાર ચાલી રહ્યા છે, જેથી તેમના કેપ્ટન બનવાના ચાન્સ પણ ખૂબ ઓછા છે. આવી સ્થિતિમાં માત્ર એક જ વર્ષ બાકી હોય ત્યારે ટીમની બગડેલી હાલત સુધારવા માટે માત્ર રોહિત શર્મા પાસે જ પૂરતો અનુભવ છે. રોહિત અને કાયરન પોલાર્ડની જોડી ટીમ માટે ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે, કારણ કે આ બંને વચ્ચે ગાઢ બોન્ડિંગ છે. પોલાર્ડને હવે ટીમના નવા મુખ્ય કોચ તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લી 3 સિઝનથી મુંબઈ ટીમનું પ્રદર્શન ધાર્યા મુજબનું નથી રહ્યું, જેને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝીએ કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફારો કર્યા છે. મહેલા જયવર્ધનેને હટાવીને પોલાર્ડને કમાન સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે ક્રિકેટ જગતમાં ચાલી રહેલી આ ચર્ચાઓ કેટલી સાચી સાબિત થાય છે અને શું ખરેખર રોહિત શર્મા ફરીથી મુંબઈની બ્લુ જર્સીમાં કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે કે નહીં.
