JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

વિદેશની ધરતી પર ગુંજ્યા ગરબા, ફિનલેન્ડમાં ગુજરાતીઓ સાથે વિદેશી નાગરિકો પણ ઝૂમ્યા

Oct 25, 2026 | 22:05 | By JAMNAGAR MIRROR
વિદેશની ધરતી પર ગુંજ્યા ગરબા, ફિનલેન્ડમાં ગુજરાતીઓ સાથે વિદેશી નાગરિકો પણ ઝૂમ્યા
યુરોપના બરફીલા પ્રદેશ ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુ શહેરમાં નવરાત્રિની અદ્ભુત ઉજવણી જોવા મળી હતી. આ ભવ્ય આયોજનમાં અંદાજે 700 લોકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતીઓ ઉપરાંત ફિનલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોના નાગરિકોએ પણ ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમીને ભારતીય સંસ્કૃતિની મહેક અનુભવી હતી.

ગુજરાતના હૃદયમાં ધબકતો ગરબો જ્યારે હજારો કિલોમીટર દૂર યુરોપના બરફીલા પ્રદેશમાં ગુંજે, ત્યારે તે માત્ર નૃત્યનો અવાજ નથી રહેતો, પણ પોતાની માટી સાથે જોડાયેલી લાગણી અને સ્નેહનો સૂર બની જાય છે. ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુ શહેરમાં નવરાત્રિ નિમિત્તે યોજાયેલી ગરબાની ઉજવણીએ આ જ ભાવનાને સાકાર કરી હતી. બંને શહેરોના કાર્યક્રમોમાં અંદાજે 700 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત ફિનલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન અને યુરોપના અન્ય દેશોના નાગરિકોએ પણ ગરબાના તાલે ઝૂમીને ગુજરાતી સંસ્કૃતિની મહેક અનુભવી હતી. રોવાનિએમીમાં યોજાયેલા કાર્યક્રમોમાં રંગબેરંગી ચણિયાચોળી, પરંપરાગત કેડિયાં, ગુજરાતી સંગીત અને ગરબાના તાલે અસલી ઉત્સવનો માહોલ સર્જાયો હતો. વિદેશની ધરતી પર ઉજવાતી નવરાત્રિએ સાબિત કરી દીધું કે સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભૌગોલિક અંતર ક્યારેય અવરોધ બનતું નથી. વતનથી દૂર વસતા ગુજરાતીઓ માટે આ ઉજવણી જાણે ગુજરાતની ધરતીનો સ્પર્શ અને બાળપણની યાદોને ફરી જીવંત કરવાનો મોટો અવસર બની રહી હતી.

રોવાનિએમીમાં ગરબાના આયોજકો હેત ગઢુલા અને હર્ષિલ દેસાઈ તથા ઓલુમાં નવરાત્રિ કાર્યક્રમના આયોજક કચ્છના મૂળ વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા કસ્તુરભાઈએ જણાવ્યું હતું કે, ગરબાના માધ્યમથી ભારતના હાર્દસમા સાંસ્કૃતિક વારસાને ફિનલેન્ડમાં રજૂ કરવાનો અને ગરબાની મહેક ફેલાવવાનો અમારો મુખ્ય પ્રયાસ છે. અહીં વસતા ગુજરાતીઓ ગરબાને ખૂબ યાદ કરે છે અને આ કાર્યક્રમ તેમની એ લાગણીની ખોટ પૂરી કરવાનો અને સૌને એકસાથે લાવવાનો સુંદર પ્રયાસ છે. આ ઉજવણીની સૌથી ખાસ અને સુંદર બાબત એ રહી કે ગરબો માત્ર ભારતીય સમુદાય પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ અલગ-અલગ દેશોના નાગરિકોએ પણ તેમાં ઉત્સાહભેર જોડાઈને ભારતીય સંસ્કૃતિને ખૂબ જ નજીકથી જાણી હતી.

આ અનોખા ઉત્સવમાં સામેલ થયેલા વિદેશી મહેમાનો પણ ગરબાના તાલે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. રોવાનિએમીના ડેપ્યુટી સિટી કાઉન્સિલર અને મૂળ બાંગ્લાદેશના મુસા નુરીએ કહ્યું કે અહીં તહેવારની ઉજવણી જોઈને મારા બાળપણની યાદો તાજી થઈ ગઈ. ઈરાનના અલી ઘોલામીએ જણાવ્યું કે ગરબો અદ્ભુત નૃત્ય છે અને તેની લય તથા તાલ ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત શ્રીલંકાની નાગરિક સુભાષે ગરબાને ઊર્જાસભર નૃત્ય ગણાવ્યું હતું, તો ફિનલેન્ડના યુરકિ હાવિક્કો અને અન્ને મારિયા હાવિક્કોએ પણ ભારતીય સંસ્કૃતિને માણવાનો આ અનુભવ અદ્ભુત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનથી આવીને ફિનલેન્ડમાં વસેલા માલ્કમે પણ આ કાર્યક્રમને આવકારતા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને જાણવાની તક મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી.

LATEST ARTICLES