હિંમતનગર શહેરના ઇન્દ્રનગરથી મહાવીરનગર ચાર રસ્તાને જોડતા વ્યસ્ત રેલવે અંડરપાસ નજીક શુક્રવારે સવારે એકાએક કચરાના વિશાળ ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સવારના સુમારે કચરામાંથી અચાનક આગની લ્હોરો અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉડતા જોઈને આસપાસના રહીશો અને વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને સત્વરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે પાટાની નજીક આવેલા આ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી જગ્યામાં કચરો ફેંકવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા ઘરનો કચરો અહીં નિયમિતપણે ઠાલવવામાં આવતો હોવાથી ત્યાં કચરાના મોટા ઢગલા થઈ ગયા હતા. આ કચરામાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થોનું પ્રમાણ અત્યંત વધારે હોવાને કારણે આગે ક્ષણભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની લ્હોરો ચારેય તરફ ફેલાઈ ગઈ હતી.
આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ખુલ્લામાં કચરો ફેંકવાની અણઘડ આદત અને તેના કારણે સર્જાતી આવી જોખમી પરિસ્થિતિથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. આવા વિસ્તારોમાં કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ સમયસર આગ ન બુઝાવી હોત તો મોટું નુકસાન થઈ શકત.
