એશિયન પેરા ગેમ્સમાં ભારતની દીકરીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. મહિલાઓની ડબલ્યુ એક ઇન્ડિવિજ્યુઅલ તીરંદાજી સ્પર્ધામાં ભારતની સ્ટાર ખેલાડી સ્વાતિ ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિથી સમગ્ર દેશ અને ગુજરાતમાં આનંદની લહેર દોડી ગઈ છે, અને રમતગમત જગતમાં ભારતનું ગૌરવ વધ્યું છે.
સ્પર્ધાની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. સ્વાતિ ચૌધરીએ શરુઆતથી જ શાનદાર સંયમ અને સચોટ નિશાનબાજીનું પ્રદર્શન કરીને ચાર વિરુદ્ધ બે પોઈન્ટની સરસાઈ મેળવી લીધી હતી. તેમણે પહેલા અને ત્રીજા સેટમાં શાનદાર વિજય મેળવીને ગોલ્ડ મેડલ તરફ મજબૂત કદમ માંડ્યા હતા. જો કે, મેચના અંતિમ ચરણમાં ચીનની અનુભવી ખેલાડી સેન મેંગકાને પુનરાગમન કર્યું હતું.
ચોથા અને પાંચમા સેટમાં સ્વાતિ ચૌધરીને રમત પર પકડ જાળવી રાખવામાં થોડી મુશ્કેલી પડી હતી, જેના કારણે ચીનની ખેલાડીએ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. સ્વાતિ ચૌધરીએ આકરી સ્પર્ધા બાદ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ તેમનો આ રજત ચંદ્રક પણ સોનાથી કિંમતી સાબિત થયો છે.
આ અગાઉ સ્વાતિ ચૌધરીએ વર્લ્ડ આર્ચેરી પેરા સિરીઝમાં પણ કાંસ્ય ચંદ્રક જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેમની આ સતત સફળતાથી દેશના યુવા ખેલાડીઓને મોટી પ્રેરણા મળી છે. 'જામનગર મિરર' પરિવાર તરફથી સ્વાતિ ચૌધરીને આ અદ્ભુત સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
