ભારતીય સિનેમામાં ફિલ્મોના પ્રચાર માટે જાહેર થતા પોસ્ટરોથી લઈને રૂપેરી પડદા સુધી મુખ્ય કલાકારોના હાથમાં સિગારેટ દર્શાવવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તાજેતરમાં જાણીતા દિગ્દર્શકની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'ના પોસ્ટરમાં વિકી કૌશલનો હોઠ વચ્ચે સિગારેટ સાથેનો રફ અંદાજ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અગાઉ 'એનિમલ'માં રણબીર કપૂર અને 'ધુરંધર'માં રણવીર સિંહના લુકમાં પણ આ જ પ્રકારની શૈલી જોવા મળી હતી. આ વલણ સ્પષ્ટ કરે છે કે વર્તમાન સિનેમામાં સિગારેટ હવે માત્ર પાત્રની કોઈ સાદી આદત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે પાત્રના પ્રભાવશાળી વ્યક્તિત્વ, વિદ્રોહ અને રહસ્યમય વલણને દર્શાવતું એક શક્તિશાળી દ્રશ્ય-સાધન બની ગઈ છે.
હિંદી ચલચિત્રોના ઈતિહાસ પર નજર કરીએ તો સિગારેટનો અર્થ અને તેનો પ્રભાવ સમય સાથે સતત બદલાતો રહ્યો છે. શરૂઆતના દોરમાં પડદા પર ધૂમ્રપાન કરવું એ નકારાત્મકતા, ખલનાયક કે ચરિત્રની નબળાઈનું પ્રતીક ગણાતું હતું. જોકે, સિત્તેરના દાયકામાં અમિતાભ બચ્ચનના 'એંગ્રી યંગ મેન'ના આગમન સાથે સિગારેટ સામાજિક અસંતોષ, બેચેની અને અન્યાયી વ્યવસ્થા સામેના આક્રોશની અભિવ્યક્તિ બની ગઈ. સિનેમાએ વર્ગભેદ દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ કર્યો; જેમ કે શ્રમિક વર્ગ માટે બીડી, મધ્યમ વર્ગ માટે સિગારેટ અને અમીર વર્ગ માટે સિગાર વિઝ્યુઅલ કોડ બન્યા. બીજી તરફ, ફિલ્મ 'દેવદાસ'માં આ જ ધુમાડો પ્રેમની વિરહ-વેદના, આંતરિક તૂટન અને આત્મવિનાશનું દર્દનાક પ્રતીક બનીને ઊભરી આવ્યો હતો.
આજના આધુનિક સિનેમામાં ગેંગસ્ટર વાર્તાઓ અને 'એન્ટી-હીરો' પાત્રોમાં સિગારેટ સત્તા, નિર્ભયતા અને તાકાતનું પ્રતીક બની ગઈ છે. ખાસ કરીને 'પોસ્ટર કલ્ચર'માં પાત્રની આક્રમકતા દર્શકો સુધી પહોંચાડવા માટે તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આ વલણ પાછળ એક ગંભીર ચિંતા પણ રહેલી છે. વાર્તામાં પાત્રની માનસિક જટિલતા કે તણાવ દર્શાવવા સુધી વાત યોગ્ય છે, પરંતુ જ્યારે મોટા સિતારાઓ દ્વારા આ બાબતને આકર્ષક સંગીત અને કૂલ સ્વેગ સાથે ગ્લેમરાઈઝ કરીને પીરસવામાં આવે છે, ત્યારે તે યુવા પેઢીને પ્રભાવિત કરે છે. પડદા પરનું આ પેકેજિંગ ઘણીવાર પાત્રના સંઘર્ષ કરતાં ધૂમ્રપાનના આકર્ષણને વધુ પ્રોત્સાહન પૂરું પાડતું સાબિત થાય છે.
