JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે: આરોગ્ય રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત બાદ કડક આદેશ

Oct 03, 2026 | 21:20 | By JAMNAGAR MIRROR
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે: આરોગ્ય રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત બાદ કડક આદેશ

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની અણધારી મુલાકાત લઈને આરોગ્યલક્ષી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે વિશેષ નંબર, કોડ સિસ્ટમ અને સ્ક્રીનિંગ સાથેની સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રમાણભૂત કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાનો તાત્કાલિક અસરથી ચુસ્ત અમલ શરૂ કરવા માટે હોસ્પિટલ તંત્રને સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં પાર્થિવ દેહોને સાચવવાની વર્તમાન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને અત્યાધુનિક ડીપ ફ્રીઝરની સુવિધા આગામી પંદરથી ત્રીસ દિવસમાં કાર્યરત કરવાની સૂચના મંત્રીશ્રીએ આપી હતી. દર્દીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને તેમણે જણાવ્યું કે, ગરીબ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાંથી સંપૂર્ણ સ્વસ્થ અને સંતુષ્ટ થઈને ઘેર પરત ફરે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પરિસરમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવા ખાઈને ગંદકી ફેલાવનાર કે પિચકારી મારનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સુરક્ષાકર્મીઓ દ્વારા સ્થળ પર જ દંડાત્મક પગલાં લેવામાં આવશે.

નિરીક્ષણ દરમિયાન રાજ્યમંત્રીએ ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તેમજ ટીબી અને છાતીના રોગોના વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સાથે અદ્યતન એમઆરઆઈ સેન્ટર અને ડાયાલિસિસ યુનિટમાં પહોંચીને નિદાન અને દર્દીઓની સંભાળ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતના અંતે મંત્રીશ્રીએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કમલસિંહ ડોડીયા સહિત વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં દર્દીઓ માટે સ્ટ્રેચરની વ્યવસ્થા, માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવાના ઉપાયો તેમજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને વિભાગીય તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

LATEST ARTICLES