પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં દિનપ્રતિદિન તણાવ વધતો જઈ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અફઘાન તાલિબાન સામેના સંઘર્ષમાં મોંઘવારી અને સૈનિકોના નુકસાનનો સામનો કરી રહેલી પાકિસ્તાની સેના હવે અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને ગૃહયુદ્ધ છંછેડવાની નાપાક તૈયારીઓમાં લાગી ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના આદેશથી બલુચિસ્તાનની ધરતી પર અફઘાન સેનાના વિખેરાયેલા લડવૈયાઓ અને કટ્ટરપંથીઓને એકત્રિત કરીને ખાસ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે, જેથી તેમને તાલિબાન વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવવા માટે ફરીથી અફઘાનિસ્તાન મોકલી શકાય.
આ નાપાક યોજના હેઠળ પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનના દાલબંદીન વિસ્તારમાં વિશેષ કેમ્પ સ્થાપવામાં આવ્યો છે અને આગામી સમયમાં કુચલક તેમજ ક્વેટામાં પણ આવા તાલીમ કેન્દ્રો ખોલવામાં આવનાર છે. ગરીબી અને બેરોજગારીનો સામનો કરી રહેલા અફઘાન લડવૈયાઓને માત્ર પંદરથી વીસ હજાર રૂપિયાના માસિક વેતનની લાલચ આપીને તેમના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. અગાઉ સોવિયેત યુનિયન સામેની લડાઈમાં પણ પાકિસ્તાને અમેરિકી ભંડોળ મેળવવા માટે આ પ્રકારની બેધારી નીતિ અપનાવી હતી, જેના કારણે આજે અફઘાનિસ્તાનની જનતામાં પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ અને નફરતની ભાવના ઘર કરી ગઈ છે.
બીજી બાજુ, અફઘાન તાલિબાન દ્વારા સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સરકાર જાણી જોઈને તેમના દેશમાં આંતરિક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને સમર્થન આપવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે બંને દેશો વચ્ચેની સરહદ પર ડ્યુરન્ડ લાઇન પાસે સતત સંઘર્ષ અને અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પાકિસ્તાનની આ હસ્તક્ષેપવાળી અને અસ્થિરતા ફેલાવતી નીતિને કારણે આખું ક્ષેત્ર વધુ એક મોટા ગૃહયુદ્ધની ભીષણ આગમાં હોમાઈ જાય તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે.
